
હિંમતનગર તાલુકાના 6 ગામોને 15 લાખની 6 ઈ-રિક્ષા અપાઈ
હિંમતનગર તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બીજા તબક્કામાં 15 લાખની 6 ઈ-રીક્ષાનું હિંમતનગરના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આઠ મહિના પહેલા પાંચ ગામોને ઈ-રિક્ષા આપવામાં આવી હતી.આ અંગેની વિગતે એવી છે કે, હિંમતનગર તાલુકાની 108 ગ્રામ પંચાયતો છે. જેમાં પંચાયતો પાસે પોતાના અથવા ભાડે ટ્રેક્ટર દ્વારા ગામમાંથી ઘરે ઘરેથી કચરો એકઠો કરવામાં આવે છે. તો કેટલાક ગામમાં ઈ રિક્ષા દ્વારા કચરો એકઠો થાય છે. ત્યારે હિંમતનગરની તાલુકા પંચાયત કચરી ખાતે શુક્રવારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બીજા તબક્કામાં સાકરોડિયા, કાણીયોલ, કડોલી, ગઢા, આકોદરા અને વકતાપુર ગ્રામ પંચાયતોને રૂ 2.50 લાખની એક એવી રૂ. 15 લાખની 6 ઈ-રિક્ષા હિંમતનગર તાલુકાના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે આપવામાં આવી હતી. એક પછી એક રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ, સંલગ્ન ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટી કમ મંત્રી, ભાજપ સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા. તાલુકા પંચાયત દ્વારા અંદાજીત આઠ મહિના પહેલા પાંચ ગામોને પાંચ ઈ-રિક્ષા આપવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં 6 ઈ-રિક્ષા 6 ગામોને આપવામાં આવી છે. જેને લઈને હવે તાલુકાના 108 ગ્રામ પંચાયત પૈકી 11 ગામોમાં ઈ-રિક્ષાથી કચરો એકઠો થશે.