
ખેડબ્રહ્મા મંદિરે આજે 50 ભક્તોએ મોહનથાળની પ્રસાદી લીધી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા અંબાજી મંદિરમાં દર્શન માટે શુક્રવારે ભાદરવી પૂનમના રોજ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી બોલ માડી અંબેના જય જય અંબેના નાંદથી પદાયાત્રીઓ દર્શન માટે આવી પહોંચ્યા હતા. 50 ભક્તોએ માતાજીના મોહનથાળની પ્રસાદી લીધી હતી. તો મેળા દરમિયાન ચાર લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા.સાબરકાંઠા જિલ્લા પોલીસવડા વિજય પટેલ ભાદરવી પૂનમના દિવસે સવારે ખેડબ્રહ્મા આવી પહોંચ્યા હતા. જ્યાં ખેડબ્રહ્મામાં પોલીસ ચોકી પાસેથી બેન્ડવાજા તેમજ ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં થઇ માતાજીના મંદિરે આવી પહોંચતા સ્થાનિક પોલીસ સ્ટાફ ભકિતના રંગે રંગાયા હતા. ત્યાર બાદ પૂજન અર્ચન સાથે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ દર વર્ષની જેમાં આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી હતી. વહેલી સવારથી મંદિરમાં ભક્તો નેજા સાથે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિરના શિખર પર માનતાની ધજા ચઢાવી હતી.
આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મામાં ભાદરવી પુનમના મેળાને લઈને 10 દિવસમાં ચાર લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. 1000 જેટલા સંઘો પદયાત્રીઓ આવ્યા હતા. તો માતાજીના મંદિરના શિખર પર માનતા સહિત 52 ગજની 1000 જેટલી ધજાઓ ચઢાવાઈ છે. ભાદરવી પુનમના દિવસે 50 ભક્તોએ માતાજીના મોહનથાળની પ્રસાદ લીધી હતી.