
સાબરકાંઠામાં હોલસેલ દવાના ક્રેડીટ કાર્ડ પર વેપારી રીવોર્ડ લેવા જતા 4.64 લાખ ગુમાવ્યા
હિંમતનગરમાં હોલસેલ દવાના વેપારીએ ક્રેડીટ કાર્ડના રીવોર્ડના પોઈન્ટના રૂપિયા જમા કરવા માટે અજાણ્યા શખ્સે મોકલેલા Axis Bank(35).apk ફાઈલ ક્લિક કરી એપ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેંગ થયો હતો. જોતજોતામાં ક્રેડીટ કાર્ડમાંથી રૂ. 4.64 લાખના પાંચ અલગ અલગ ટ્રાન્જેક્શન થયાના મેસેજ આવ્યા હતા. જેને લઈને ક્રેડિક કાર્ડ બ્લોક કરાવ્યું હતું. તો આ અંગે હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રૂ. 4.64 લાખની ઓનલાઈન છેતરપીંડી થતા સોહેલ ચાંદનીવાલાએ ફરિયાદ નોંધાવી છે.
આ અગેની વિગત એવી છે કે, હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં સમૃદ્ધિ કોમ્પ્લેક્ષમાં ફાર્માડીલ એજન્સીમાં હોલસેલ દવાઓનો ધંધો સોહેલ ચાંદનીવાલા કરે છે. તેઓ એક્સીસ બેંકમાં બચત ખાતું ધરાવે છે અને તે જ ખાતા નંબર પર ક્રેડીટ કાર્ડ પણ છે. ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે ફોન-પે, એમેઝોન- પે, એક્સીસ-પે એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. જેમાં તેમનો મોબાઈલ નંબર લીંક કરાવેલો છે. આ નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ રજીસ્ટર પણ કરેલો છે.
27 ફેબ્રુઆરી 2023ના રોજ બપોરે એક વાગ્યાના સમયે મારા મોબાઈલ પર ફોન આવ્યો હતો, હિન્દીમાં જણાવ્યું હતું કે, હું રાહુલ શર્મા એક્સીસ ક્રેડીટ કાર્ડ ડીપાર્ટમેન્ટ માંથી વાત કરું છુ. તમારા ક્રેડીટ કાર્ડ તરફથી તમને રીવોર્ડ પોઈન્ટ 15 હજાર મળે છે. જેના કેશ પ્રમાણે તમારા બેંક ખાતામાં રૂ. 8 હજાર જમા થશે. ત્યારબાદ મારા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. દિનેશ શેટ્ટી નામ લખેલા અને એક્સીસ બેન્કની એપીકે ફાઈલ મોકલી આપી હતી. જે લીંક મેં ક્લિક કરી એપ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ મારો મોબાઈલ હેંગ થઇ ગયો હતો.
આ દરમિયાન મારા મોબાઈલમાં એક્સીસના ક્રેડીટ કાર્ડના મેસેજ આવેલા જેમાં મારા એક્સીસ ક્રેડીટ કાર્ડથી અલગ અલગ ટ્રાન્જેક્શન થયેલા. જેમાં રૂ. 4587, રૂ. 15999, રૂ. 50,000, રૂ. 1,95,000 અને રૂ. 1,98,500 મળી કુલ રૂ. 4 લાખ 64 હજાર 086નું ઓનલાઈન છેતરપીંડી થતા મારા મોબાઈલથી એક્સીસ બેંક ક્રેડીટ કાર્ડ કસ્ટમર કેરમાં વાત કરી મારું ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જે તપાસ દરમિયાન ફ્રોડમાં ગયેલી રકમમાંથી કુલ રૂ. 20,586 રીફંડ પરત ખાતામાં જમા થયું હતું. પરંતુ રૂ. 4 લાખ 43 હજાર 500 પરત આવ્યા ન હતા. જેને લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.