સાબરકાંઠામાં અમદાવાદના ટ્રાન્સપોર્ટર સાથે 30.37 લાખની છેતરપીંડી
અમદાવાદના એક ટ્રાન્સપોર્ટરે ટ્રકમાં માલસામાન લોડ કરાવી બિલ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે ગાડીના ડ્રાઇવરને સિક્કીમ ખાતે પહોંચાડવા રવાના કર્યો હતો. પરંતુ ટ્રકના ડ્રાઇવરે ગાડીમાં સમાન લોડ કરાવી રસ્તામાં ક્યાં વેચી ગાડી ગામડી નજીક બિનવારસી મુકીને ભાગી ગયો હતો. જે અંગેની જાણ થતા ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરે ટ્રકના ડ્રાઇવર વિરૂદ્ધ ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 30,37,784ની છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગે ગુન નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદની શિવશક્તિ લોજેસ્ટીક પ્રા.લિ. નામની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જુદી જુદી કંપનીઓનો માલ લઇ સમગ્ર દેશમાં ટ્રક મારફતે પહોંચાડવામાં આવે છે. ગાડી નંબર RJ.17.JD.0784ની ગાડીમાં રવિરાજ કંપની સાણંદ ખાતેથી પીવીસી રોલ, એર બબલ ફિલ્મ રોલ, ફોઇલ્સ રોલ સહિતનો સામાન ભરાવીને બિલ તેમજ ચલણ સાથેના કાગળીયા મોકલાવ્યા હતા. તેમજ ડ્રાય પાવડરના ડ્રમ નંગ 100 કિંમત રૂપિયા 15,04,500નો સામાન સિક્કીમ ખાતે પહોંચાડવાનો હોવાથી ડ્રાઇવર પ્રભુરામ ગુજ્જર (રહે.માલાસ, તા.કરેડા, જિ.ભીલવાડા) ટ્રક લઇને રવાના થયો હતો, પરંતુ ગત તા. 10/05/2023ના રોજ રવાના કરેલો માલ નિર્ધારીત જગ્યાએ પહોંચ્યો ન હતો અને હિંમતનગર નજીક રસ્તામાં માલ પડ્યો હોવાનું મનોજ કિશનભાઇ ધુપ્પડે ફોન કરીને જાણ કરી હતી. જેથી ખાનગી વાહનમાં તેઓ હિંમતનગર આવ્યા હતા અને ગામડી નજીક બિનવારસી હાલતમાં ટ્રક પડી હોવાનું માલુમ પડ્યું હતું.
જોકે તે દરમિયાન કાળા રંગના બેરલ અસત વ્યવસ્ત પડેલા હતા. આજુબાજુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, રાત્રીના 3 વાગ્યાના સુમારે આ ટ્રકનો ડ્રાઇવર ગાડી ઉભી કરીને ચા પીવા આવ્યો હતો અને કહ્યું હતું કે, ગાડીમાં ડિઝલ નથી અને ડિઝલ લેવા જાંઉ છું. તેમ કહીને જતો રહ્યો હતો. જોકે જીપીએસ સર્વિસ પણ બંધ હોવાનું તેના માલિક મનોજ શર્માને પુછપરછ કરતા માલુમ પડ્યું હતું. પ્રાંતિજના ટોલબુથ પર ફાસ્ટેજ પણ કપાયુ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે ડ્રાઇવર પ્રભુ ગુજ્જર (રહે.માલાસ, તા.કરેડા, જિ.ભીલવાડા)નો ફોન બંધ હોવાનુ માલુમ પડ્યું હતું. જોકે ડ્રાઇવરનો કોઇ અતોપતો ન મળતા ટ્રાન્સપોર્ટર દ્વારા લોડ કરેલ સામાન રસ્તામાં ક્યાંક વેચી દઇ અથવા સંતાડી દઇ ગાડી બિનવારસી મુકી ભાગી ગયા અંગેની ફરિયાદ ગાંભોઇ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.