
સાબરકાંઠા અને અરવલ્લીમાં સેવા હી સંકલ્પ ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહલગ્નોત્સવ યોજાયો
હિંમતનગરના આગીયોલ પાસે આવેલા મોઢ પટેલ સમાજવાડીમાં સેવા હી સંકલ્પ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહલગ્નોત્સવનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 18 નવ દંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. ગણેશ સ્થાપનથી શરુઆત કરીને વિદાય સુધીના પ્રસંગ એક મંડપ નીચે યોજાયા હતા.
સેવા હી સંકલ્પ ટ્રસ્ટ આયોજિત મહા સુદ છઠના દિવસે સતત બીજા વર્ષે બીજા સમૂહલગ્નોત્સવમાં માંગલિક પ્રસંગો જેમાં પ્રારંભ ગણેશસ્થાપન અને ગ્રહ શાંતિ કરવામાં આવી હતી. ત્યારબાદ કન્યાઓને ઉતારો આપ્યા બાદમાં વરઉગલાવો કરવામાં આવ્યો હતો. લગ્નવિધિ એક જ મંડપ નીચે વર કન્યાનો હસ્ત મેળાપ થયો અને પછી અગ્નિ સાક્ષીએ ચાર ફેરા ફર્યા હતા. ત્યારબાદ વરરાજા-કન્યાને કંસાર પીરસવામાં આવ્યો હતો. આમ, વર અને કન્યાના કુટુંબીજનોની ઉપસ્થિતિમાં લગ્નપ્રસંગ પૂર્ણ થયો હતો.
સેવા હી સંકલ્પ દ્વારા એક મંડપ નીચે 18 ચોરીઓમાં 18 નવ દંપતીઓના લગ્ન પૂર્ણ થયા બાદ સેવા હી સંકલ્પના મંચ પર એક સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા 18 નવ દંપતીઓ બિરાજમાન થયા હતા. આશીર્વાદ આપ્યા બાદ ટ્રસ્ટ થકી દાતાઓએ દાનમાં આપેલા કરિયાવર સાથે જ નવ દંપતીઓને આપીને વિદાય પ્રસંગ સાથે એક દિવસના માંગલિક પ્રસંગો ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યોએ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા હતા.