
ઇડરના કાનપુરથી ભાણપુર વચ્ચે રાત્રે ગાડીની ટક્કરે 2 બાઇકસવારનાં મોત
ઇડર-ભિલોડા હાઇવે પર કાનપુરથી ભાણપુર વચ્ચે ગાડીના ચાલકે રોંગ સાઇડમાં આવી બાઇકને ટક્કર મારતાં બંને બાઇકસવારના મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે અકસ્માત કરી ફરાર થઇ જનાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
ઇડર-ભિલોડા હાઇવે પર આવેલ કાનપુરથી ભાણપુર ગામ વચ્ચે વરૂણ કોલ્ડ સ્ટોરેજ નજીકમાં રોડ ઉપર રવિવારની રાત્રે 8:30 કલાકે તુફાન ગાડી નં GJ 18 BD 6708 ના ચાલકે રોંગ સાઇડમાં ચલાવી સામેથી આવતા જયેશભાઇ પ્રકાશભાઇ અસારી (20) બાઇક નં GJ 09 CM 8177 ને સામેથી ટક્કર મારતાં બાઈક સવાર જયેશભાઇ તથા ભાવેશભાઇ બાબુભાઈ અસારી (22) બંને રહે. મલાસા (સારણ ફળિયું)તા. ભિલોડાને શરીરે ગંભીર ઇજાઓ થતા બંનેનુ ઘટનાસ્થળે મોત થયું હતું.