સાબરકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણીમાં 18 બેઠકોમાંથી 12 બેઠકો બિનહરીફ : 6 બેઠકો પર ચૂંટણી યોજાશે
સાબરકાંઠા બેન્કની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે શુક્રવારે ઉમેદવારો અને ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સાબરકાંઠા બેન્કના 18 પૈકી 12 બેઠકોના ડિરેકટરો બિનહરીફ જાહેર કરાયા છે. જોકે હવે માત્ર 6 બેઠકોના ડિરેકટરો માટે ચૂંટણી જંગ ખેલાવાનો છે. ત્યારે સૌથી વધારે ઉમેદવાર વિભાગ અ જૂથ ૬માં ૯ ઉમેદવાર જોવા મળ્યા છે.
સાબરકાંઠા બેન્કની ચૂંટણીની જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સહકારી રાજકારણ ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા સર્મથીત પેનલના ઉમેદવારોની જાહેરાત કરી મેન્ડેડ આપવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિવસે વધુને વધુ બેઠકો બિનહરીફ થાય તે માટે જોડતોડની નિતી અપનાવામાં આવી હતી. હિંમતનગર પ્રાંત કચેરી બહાર સવાથી ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. સાબરકાંઠા બેન્કના 18 ડિરેક્ટરોમાંથી 12 ડિરેક્ટરોની બેઠકો પર માત્ર 1-1 ઉમેદવારી ફોર્મ બાકી રહેતા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ 12 ડિરેક્ટરોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે હવે માત્ર વિભાગ બ જૂથ 14, વિભાગ અ જૂથ 7, વિભાગ ડ જૂથ 17, વિભાગ ક જૂથ 16, વિભાગ અ જૂથ 1, વિભાગ અ જૂથ 6 બેઠક માટે એકથી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં સૌથી વધુ ઉમેદવાર વિભાગ અ જૂથ 6માં 9 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.
આ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 74 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી જંગનુ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. આગામી 16મી જુલાઇના રોજ હિંમત હાઇસ્કૂલ ખાતે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાબરકાંઠા બેન્કમાં ડિરેકટર તરીકે ચૂંટાવા માટે ચૂંટણી જંગમાં રહેલા ઉમેદવારો પોત પોતાના ટેકેદારો સાથે મતદારોને પોતાની તરફેણમાં મતદાન કરવા માટેના પ્રયાસો કરશે.