સાબરકાંઠામાં 12 આરોપીઓની ધરપકડ કરી, 24 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો…
તલોદ તાલુકાના તાજપુર ખાતે નજીવી બાબતે મામલો બિચકતા ધીંગાણુ સર્જાયું હતું. જેમાં પાસીના મુવાડા ગામના યુવાનો સાથે શેરડીનો રસ પીવા બાબતે તકરાર થતા તાજપુરના કેટલાક યુવાનોએ ઉપરાળામાં આવી જઇ હુમલો કરતા 7 યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને 108 મારફતે તલોદ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. પોલીસે સામ સામે ફરિયાદ નોંધી 12 આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ તાજપુર સ્ટેશન ખાતે એક પરપ્રાંતિય ઇસમ શેરડીના રસનો ધંધો કરે છે. શનિવારના રોજ તાજપુર સ્ટેશન પર શેરડીના રસનો ધંધો કરતા પરપ્રાંતિય વેપારી સાથે પાસીના મુવાડા ગામના યુવકો સાથે રસના પૈસા બાબતે તકરાર થઇ હતી. જે તકરાર બાબતે પાસીના મુવાડાના યુવાનોને તાજપુરના કેટલાક યુવાનો અને નાગરીકોએ રસવાળાની તરફેણ કરી ઠપકો આપ્યો હતો. જોકે ત્યારબાદ સમાધાન પણ થયું હતું. બીજા દિવસે રવિવારે સવારે નવ વાગ્યાના સુમારે પાસીના મુવાડા ગામના લોકો તાજપુર ખાતે આવી રસવાળાની તરફેણ કરતા તાજપુરના યુવકો પર લાકડી અને ધોકા લઇ તૂટી પડ્યા હતા.
જેમાં પાસીના મુવાડાના 6 લોકોને અને તાજપુરના એક ઇસમને ઈજાઓ પહોંચી હતી. અચાનક થયેલ હુમલાના કારણે ગામમાં તંગદિલી વ્યાપી જવા પામી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએસ સ્વામી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઇજા પામેલા 7 ઇસમોને 108 મારફતે તલોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધું સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તલોદ પોલીસ દ્વારા તાજપુર અને પાસીના મુવાડાના 24 જેટલા ઇસમો સામે રાયોટિંગનો ગુનો નોંધી 12 જેટલા આરોપીની ધરપકડ કરી બાકીના આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળે છે.