સ્વિત્ઝરલેન્ડના પોસ્ટમેન કબૂતરો

રસમાધુરી
રસમાધુરી

આજના ઉપગ્રહોના યુગમાં પણ કેટલાક દેશોમાં સંદેશાવાહક કબૂતરો આજે પણ પોલીસ ખાતામાં આંગડીયાની સર્વિસ કરી રહ્યા છે. ભારતમાં આવેલા ઓરિસ્સામાં આજે પણ કબૂતરો દ્વારા સંદેશાની લેવડદેવડ થતી જાેવા મળે છે. યુરોપીય દેશ સ્વિત્ઝરલેન્ડમાં આજે પણ ૧૦૦ વર્ષ જુનું કબૂતરનું સૈન્ય કાર્યરત છે. આ સૈન્યમાં પાંચસો, પંદરસો કબૂતરો નહીં પરંતુ ૧૦,૦૦૦ જેટલા કબૂતરોની એક ફોજ છે. વળી આ બધાં જ કબૂતરો સ્વિત્ઝરલેન્ડના લશ્કરમાં વિશેષ સૈનિકોનો હોદ્દો પણ ધરાવે છે. થોડા વખત પહેલાં દેશની સરકારે નક્કી કર્યું કે આજના સેટેલાઈટ યુગમાં ગમે તે સંદેશાને પળભરમાં દુર સુધી મોકલી શકાતો હોવાથી આવા ખર્ચાળ પારેવડાંને રાખવાનો કોઈ જ ફાયદો દેખાતો નથી. એટલે આ પારેવડાંઓને હંમેશને માટે નીલ ગગનમાં છોડી મુકવા જોઈએ. જ્યારે લોકોને સરકાર આ પ્રકારનું પગલું ભરે તેની જાણ થતાં જ પ્રજાએ તેના વિરોધમાં સરઘસો કાઢયા. લશ્કરે પણ સરકારને પોતાનો વિચાર જણાવતાં કહ્યું કે, કબૂતરો દ્વારા મોકલી શકાય એટલા લાંબા સંદેશા આધુનિક ફેકસ મશીન કે મેઈલ દ્વારા પણ મોકલી શકાતા નથી.

વિચિત્ર લાગતી વાત ખરેખર તો સાચી જ હતી. કારણકે મોટા મોટા સંદેશાઓ મોકલવા લગભગ અશકય બને છે. ઈ.સ.૧૯૧૭ માં સ્વીસ લશ્કરે કબૂતરોની સૌ પ્રથમ વાર કામે લગાડયા ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. સ્વિત્ઝરલેન્ડ ગગનચુંબી આલ્પ્સ પર્વત શિખરોનો અત્યંત પહાડી દેશ ગણાય છે. માટે જમીનરસ્તે લશ્કરી સંદેશાઓ મોકલવામાં ઘણી જ તકલીફ પડતી હતી. કોઈપણ સંદેશો તાત્કાલીક મોકલી શકાતો નહોતો. પરિણામે લશ્કરે હજારો સંદેશવાહક કબૂતરોની એક બટાલીયન તૈયાર કરી તે બધાને તાલીમ આપવાને માટે ૧,૦૦૦ જેટલા કબૂતરબાજ ટ્રેઈનરોને પણ લશ્કરમાં ભરતી કરી હતી.

વર્ષો બાદ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આવી પાંખવાળી સ્વીસ બટાલીયન કબૂતરોએ ગુપ્ત મેસેજ સાથે કુલ ૧,પ૦,૦૦૦ જેટલી ઉડાન ભરી હતી. સ્વીત્ઝરલેન્ડે આ યુદ્ધમાં ભાગ લીધો નહોતો તેમ છતાંય આજુબાજુના દેશોમાં ચાલતા યુદ્ધ અંગેની રજેરજ માહિતી સ્વિત્ઝરલેન્ડે આ કબૂતરો દ્વારા રોજેરોજની પ્રાપ્ત કરી હતી.

સ્વિત્ઝરલેન્ડના ૧૦ હજાર કબૂતરો આજે પણ રોજે રોજ દેશભરમાં ઉડાન ભરતા રહે છે અને ફેકસ કરતાં પણ વધુ સારી રીતે સંદેશાઓ બીજા સ્થળે પહોંચાડે છે. ફેકસ મારફત લેટરપેડ જેવડા કાગળની નકલ સામે છેડે પહોંચતા અંદાજે ત્રણ મીનીટનો સમય લાગે છે. સ્વિત્ઝરલેન્ડના આ કબૂતરો આવા છુટક કાગળ પર છાપેલા સંદેશા પહોંચાડવાને બદલે ટચુકડી કોમ્પ્યુટર ચીપ સાથે જ રવાના થાય છે.
સ્વીત્ઝરલેન્ડનો ખુશ્કીદળ આશરે ર૦૦ પાના ભરાય એટલી માહિતી ફકત એ ચીપમાં સ્ટોર કરી દે છે અને તે ચીપનું વજન હોય છે માત્ર ર ગ્રામ. એની પહોળાઈ અને લંબાઈ પણ ૧૧ મીલીમીટર ૧.૧ સે.મી.જેટલી હોય છે. સ્વિત્ઝરલેન્ડનું સૈન્ય વળી દરેક કબૂતરને ૧૦ ચીપ વડે સજ્જ કરે છે જેમાં ચાર ચીપને તેના પગ સાથે બાંધે છે અને બીજી છ ચીપને રબ્બરબેન્ડ જેવા નેકલેસ વડે કબૂતરના ગળામાં પહેરાવે છે. આ રીતે દરેક કબુતર ર૦૦૦ પાના ભરાય એટલી માહિતીને પોતાની એક જ ઉડાનમાં સ્વીસ લશ્કરે જણાવેલ સરનામે કલાકના ૧૪૦ કી.મી.ની ઝડપે પહોંચાડી દે છે.

એકસપ્રેસ ડીલીવરી તે આનું નામ ! અને તેમાં નાઈટ સર્વિસ પણ ખરી. કેમ કે મેસેજ બહુ અરજન્ટ હોય તો લશ્કર અડધી રાત્રે પણ અડધી ઉંઘમાં અમુક રેમ્બો કબૂતરોને જગાડીને તેમને ડયુટી પર રવાના કરે છે.સંદેશાવાહક કબૂતરોને રાતના ઘોર અંધકારમાં કાંઈ પણ દેખાતું હોતું નથી માટે ઘણી વખત તેઓ વીજળીના તાર સાથે જાેરદાર રીતે અથડાય છે ત્યારે તેઓ ગંભીર રીતે ઈજા પણ પામે છે. પરંતુ ઘાયલ થયેલા કબૂતરો પોતાનો પ્રવાસ છેવટ સુધી ચાલુ રાખવો પડે છે. આથી લશ્કરે રેમ્બો જેવા ફકત બહાદુર કબૂતરોને જ નાઈટ સર્વિસ માટે પસંદ કરેલા હોય છે.
કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.