મારું ચાલે તો ઓકટોબર મહિનાનું નામ સત્યથી વિજ્ઞાન રાખું
બાપુએ જમીન ઉપર વિચાર્યું અને અબ્દુલ કલામેબ્રહ્માંડ માટે કામ કર્યું
મોહનદાસ કરમચંદ ગાંધી
દુનિયાનો કોઈ એક દેશ એવો નથી જ્યાં બાપુના નામનો માર્ગ ન હોય. દુનિયાનું કોઈ શહેર એવું ન હોય જ્યાં ગાંધીજીનું બાવલું ન હોય. આવા આપણા બાપુ. દેશની આઝાદી માટે આગવું અને અહિંસક કામ કરનાર આ લાકડી વાળા દાદાએ વિશ્વ સત્તા સામે અહિંસક રીતે દેશને આઝાદી અપાવી. આજના લેખમાં બીજું નામ એટલે કલામ. દુનિયાના કોઈ દેશ કે શાશક એવા ન હતા જે અબ્દુલ કલામને પોતાના દેશમાં બોલાવવા માટે સહમત ન હોય. આ બંને મહાનુભાવો આ મહિનામાં જન્મ્યા છે. વિશ્વનો સૌથી મોટો પુરસ્કાર એટલે શાંતિ માટેનું નોબલ પારિતોષિક. વિશ્વમાં અનેક લોકોને નોબલ પુરસ્કાર મળ્યો. શાંતિ માટેના નોબલ મેળવનાર અત્યાર સુધીના દરેકના જીવન ઉપર ગાંધી વિચારની અસર રહી હતી. ભલે બાપુને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર ન મળ્યો હોય. જેમને આ પુરસ્કાર મળ્યો એ બધા ગાંધી વિચારથી જ વિશ્વમાં સફળ થયા છે.
આઝાદી પહેલાં, દેશને આઝાદ કરવા માટે ગાંધી બાપુ ને યાદ કરાય અને દેશને આઝાદ થયા પછી વિશ્વમાં આગવી ઓળખ અપાવવામાં સફળ થનાર અબ્દુલ કલામને ન વિસરી શકાય.
રામેશ્વરમ ખાતે રામજી મંદિરના ગર્ભગૃહમાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર કલામ. આયાતો અને સ્તુતિ સરખી રીતે બોલી શકાનાર કલામ. તેઓ પાઇલોટ થવા ગયા,પરીક્ષા આપી પણ સફળ ન રહ્યા. બહેનના દાગીના વેચીને તેઓએ આ પરીક્ષા આપવા માટેની આર્થિક વ્યવસ્થા કરી હતી. નિરાશ થઈ આત્મહત્યા કરવાનું વિચારનાર કલામ આજે અનેકો માટે પ્રેરક છે. ઑક્ટોબર મહિનો આમ તો અનેક રીતે વિશેષ હશે પરંતુ મારી નજરે ગાંધી અને કલામ ને કારણે આ મહિનો મારે માટે વિશેષ છે. જો મને કેલેન્ડરમાં ઓકટોબર મહિનાનું નામ બદલવાની સત્તા આપવામાં આવે તો હું ઓકટોબર મહિનાનું નામ સત્ય અને વિજ્ઞાન રાખું.
ગાંધીજી અને શિક્ષણ: ગાંધીવિચાર અનુસારનું સફળ થવા માટે જરૂરી છે પાયાનું શિક્ષણ. આ માટે તેઓ બુનિયાદી શિક્ષણ અને નઇ તાલીમને મહત્વ આપતા. આ પ્રકારનું શિક્ષણ એ મહાત્મા ગાંધીજીની ભારતને દેન માનવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણ વિષયક પોતાના વિચારો 1937ના જુલાઈ માસના ‘હરિજન’માં રજૂ કર્યા હતા. અને પછી તે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937માં જ રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. વર્ધા મુકામે આ સંમેલન યોજાયું. અહીં ખાસ વાત તો એ જ કે વર્ધા ખાતેનું આ સંમેલન પણ 1937 ના ઓકટોબર મહિનામાં જ યોજાયું હતું. ગાંધી બાપુ બિહારના પ્રવાસમાં હતા. કસ્તુરબા પણ બાપુ સાથે જોડાયેલ. અહીં બાપુ થોડો સમય રોકવાના હતા. એક દિવસ કસ્તુરબાએ બાપુને ફરિયાદ કરી. મારો અહીં સમય જતો નથી. તમે તો તમારાં કામ અને મુલાકાતીઓ વચ્ચે હોવ એટલે તમારે સમય ઘટે. મારે અહીં સમય કેમ કરતાં પસાર કરવો. બાની આ વાત સાંભળી બાપુએ કહ્યું: ‘ તમે અહીંના નાના બાળકો અને મહિલાઓને ભણાવવાનું કરો.’ બાપુની વાત સાંભળી બા કહે: ‘ હું નિરક્ષર છું. મને જ વાંચતા લખતાં નથી આવડતું તો હું કોને શીખવી શકું. ત્યારે આગળના બે દાંત વગરના બોખા હાસ્ય સાથે બાપુએ કહ્યું: ‘ શરીરની વ્યક્તિગત સ્વછતા અને સુટેવો પણ શિક્ષણનો જ ભાગ છે. તમે અહીંના બાળકો અને મહિલાઓને સ્વછતા અંગે શીખવો. તેઓ સ્વચ્છતા કેળવતા થાય એ રીતે એમને શિક્ષણ આપો. મહાદેવભાઇ દેસાઈએ નોંધ્યું છે કે એ પછી બા ગમે તે સ્થળે હોય. વ્યક્તિગત સ્વચ્છતા અને સૂટેવો માટે તેઓ કાયમ કાર્યરત રહેતા. બુનિયાદી શિક્ષણમાં વ્યક્તિગત સ્વચ્છતા પણ એક હિસ્સો હોય શકે. આજે પણ સ્વછતા શિક્ષણનો મહત્વનો ભાગ છે.ભવિષ્યમાં પણ રહેશે.
Guruji will come…
આવી જ એક ઘટના અબ્દુલ કલામ સાથે નોંધાયેલ છે. વર્ષ:2014ની આ વાત છે. વિશ્વ કક્ષાની ICICIG:3 કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. આ વખતે સમગ્ર દેશ અને દુનિયાના નવ સર્જક શિક્ષકો અને તેમના કાર્ય નિહાળવા અબ્દુલ કલામ પધારવાના હતા. આઈ.આઇ.એમ. અમદાવાદના તત્કાલીન પ્રોફેસર અને પદ્મશ્રી અનિલ ગુપ્તા ડૉ. અબ્દુલ કલામને આ શિક્ષકોનો અને તેમના કામનો પરિચય આપતા હતા. સદ નસીબે આ કોન્ફરન્સમાં શિક્ષણ અને ઈનોવેશનનું કો.ઓર્ડીનેશન કરવાની જવાબદારી મારે માથે હતી. શિક્ષકો આઇ.આઇ.એમ. ના વિશાળ મેદાનમાં ગોઠવાયેલા હતા. એક શિક્ષકને પગમાં ફેક્ચર થયેલું હતું. પરંતુ કલામ સાહેબને મળવાની તક હોય આ શિક્ષક પણ આઇ.આઇ.એમ ખાતે ઉપસ્થિત હતા. એમનું નામ દેવેન્દ્ર જોષી. ત્યારે તેઓ બનાસકાંઠામાં પેછડાલ ખાતે ફરજ બજાવતા હતા. થયું એવું કે પ્રદર્શન પછી કલામ સાહેબ જોડે સમૂહ ફોટો માટે સૌ તૈયાર હતા. ડૉ. કલામ, પદ્મ શ્રી અનિલ ગુપ્તા અને અન્ય મહાનુભાવો ગોઠવાઈ ગયા હતા. દેવેન્દ્ર જોષી લંગડાતા પગે ઝડપથી પહોંચવા મથામણ કરતાં હતાં. ફોટોગ્રાફરે સૂચના આપી. ત્યારે કલામ સાહેબે કહ્યું: wait a minit, Guruji will come.’ સરકારી શાળાના આ શિક્ષક માટે ભારત રત્ન એ બે મિનિટ રાહ જોઈ અને ફોટો ક્લિક થયો. બાળકો માટેનાં ઈનોવેશન માટે IGNITE ફોરમ અને એના માધ્યમથી ચારસો કરતાં વધારે બાળકોને છેલ્લા એક દાયકામાં રાષ્ટ્રીય સન્માન અને એમના નવ સર્જનની પેટન્ટ મળી રહે એવું કરી એક રાષ્ટ્રપતિ તરીકે તેઓ કાયમ શિક્ષક બની રહ્યા. એમની ઈચ્છા મુજબ ભણાવતાં ભણાવતાં જ એમણે અંતિમ શ્વાસ લીધા.
આવા બે મહાનુભાવો જેમનો જન્મ દિવસ ઓકટોબર મહિનામાં આવે છે. એટલે જ આ મહિનાને સત્ય અને વિજ્ઞાન નામ આપવાનો વિચાર મને કાયમ આવે છે.
ગાંધીજીએ જવાતા જીવનનું શિક્ષણ આપ્યું જ્યારે અબ્દુલ કલામે જીવન જીવવામાં જીવંતતા આપી. એક બંને શિક્ષક રહ્યા અને શિક્ષક તરીકે જ ઓળખાય. બંનેનું શિક્ષણ સમાજના ઘડતર માટેનું રહ્યું. આ બંને મહાનુભાવોએ પોત પોતાની રીતે વિજ્ઞાનને સમજવા આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો.ગાંધીજીએ દેશી રીતે આઝાદી અપાવી. કલામજીએ આઝાદી પછી દેશી વ્યવસ્થામાં રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. આવા વૈશ્વિક મહાનુભાવો આપણા દેશમાં જન્મ્યા અને દેશ માટે કામ કરી શક્યા એનું આપણે આજે ફળ લઈ રહ્યા છીએ.