નદીમાં કૂદી પડી મોનિકા ઉર્ફે મનીષા

રસમાધુરી
રસમાધુરી

ઉત્તરાખંડ એટલે પર્વતાધિરાજ હિમાલયના બરફ આચ્છાદિત શિખરોની તળેટીનો પ્રદેશ. વન વૃક્ષો અને હરિયાળીનો પ્રદેશ. કલકલ વહેતાં ઝરણાં અને ખળખળ વહેતી નાની મોટી અનેક નદીઓનો પ્રદેશ. અનેક પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોનો પ્રદેશ.
આવા ઉત્તરાખંડના ચમોળી જિલ્લામાં કાલેશ્વર નામનું એક ગામ આવેલું છે. આ ગામ અલકનંદા નદીને કિનારે આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તે ઉપરાંત જંગલની પેદાશોથી ગામ લોકો પોતાનું ભરણપોષણ કરે છે.
કાલેશ્વર ગામમાં મહાદેવનું એક મંદિર આવેલું છે. તે કાલેશ્વર મહાદેવના નામ પરથી ગામનું નામ પડેલું છે.
આ ગામમાં છેવાડે એક નાનું પણ પાકું સુંદર મકાન આવેલું છે. એ મકાનમાં મોનિકા રહે છે. મોનિકા ૧૬ વર્ષની છે. તેને બીજી બે નાની નાની બહેનો પણ છે.
મોનિકા રોજ સવારે નિયમિત શાળાએ જાય છે. ભણીને આવ્યા બાદ એ તેની માને રસોઈમાં મદદ કરે છે અને નાની બહેનોને પણ સાચવે છે. તેને તેની નાની બંને બહેનો બહુ જ ગમે છે. નાની બહેનોને નવડાવવી. માથું ઓળી આપવું, કપડાં પહેરાવી તૈયાર કરવી એ બધું મોનિકાને ગમે છે. તેથી માને પણ નિરાંત રહે છે. મોનિકા બપોરે કપડાં ધોવા પણ ઊપડી જાય છે.
મોનિકાને ખળખળ વહેતી અલકાનંદા નદી ખૂબ જ ગમે છે. તે નદીએ જાય ત્યારે નાની બહેનોને પણ સાથે અવશ્ય લઈ જાય છે.
૧પ જૂન,ર૦૧૪ના બપોરના સમયની આ વાત છે. આકાશમાં વાદળો ઘેરાતાં હતા પણ વરસાદ હજુ વરસ્યો ન હતો. ગરમી ખૂબ જ લાગતી હતી. તેવામાં મોનિકાની માતાએ કહ્યું, ‘બેટા મોનિકા બે ત્રણ દિવસનાં કપડાં ભેગાં થઈ ગયાં છે. એકબે દિવસમાં વરસાદ આવશે. વરસાદ ચાલુ થઈ જતાં ધોયેલા કપડાં જલદી સુકાતા નથી. હમણાં વરસાદ નથી અને તડકો ખૂબ જ છે તેમાં જા કપડાં ધોવાઈ જાય તો સારું.’
‘મા હું કપડાં લઈને હમણાં જ નદીએ જાઉં છું.’ એમ કહી મોનિકાએ ઘરમાં રહેલાં મેલાં કપડાં ભેગાં કર્યા અને પોટલું વાળ્યું. તે જાઈ તેની નાની બંને બહેનો કહે કે દીદી અમારે પણ નદીએ આવવું છે. મોનિકાએ માની સામે જાયું. માતાએ તેને સંમતી આપી પણ બંને બહેનોને સાચવીને લઈ જવાનું કહ્યું.
મોનિકાએ કપડાંનું પોટલું માથે લીધું તો નાની એક બહેને ધોકો અને સાબુ લીધો અને બીજી બહેન માથે તગારું મૂકી સાથે ચાલવા લાગી. ત્રણ બહેનો નદીને કિનારે આવી પહોંચી.
નદી કિનારે ઠંડોઠંડો પવન વાતો હતો. નાની બંને બહેનો નદીની રેતમાં ધૂળની ઢગલીઓ કરી રમવા લાગી. અને મોનિકા કપડાં ધોવા લાગી.
મોનિકા કપડાં ધોતી હતી ત્યાં સામે બીજાં પણ ઘણાં છોકરાઓ રમતાં હતાં. તેમાં તેના પડોશમાં રહેતો ૧૦ વર્ષનો સાહિલ પણ હતો. સાહિલ અને તેના મિત્રો બેટ બોલથી રમતા હતા. દડો વારંવાર નદીના પાણીની નજીક જતો હતો. છોકરાઓ દોડીને છીછરા પાણીમાં છબછબિયાં કરતા જઈ દડો લઈ આવતા હતા. મોનિકાએ આ જાયું. તેણે છોકરાઓને ચેતવ્યા. પણ છોકરાઓ કંઈ માને એમ ન હતા. મોનિકા ફરી તેના કપડાં ધોવામાં મશગૂલ બની ગઈ. તેવામાં અચાનક છોકરાઓની બૂમાબૂમ સંભળાઈ. મોનિકાએ જાયું તો સાહિલ દડો લેવા જતાં નદીમાં વધુ દૂર જતાં સાત આઠ ફૂટ ઊંડા પાણીમાં લપસી ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો.
મોનિકા કપડાં ધોવાનું પડતું મૂકીને નદીમાં કૂદી પડી. નદીનો પ્રવાહ ખૂબ ઝડપી હતો. બરફ ઓગળવાને લીધે નદીમાં પાણી ખૂબ આવ્યું હતું.
સાહિલ બચવા તરફડિયાં મારતો પાણીમાં હાથપગ પછાડતો હતો. મોનિકા તરતી તરતી તેની નજીક ગઈ અને તેના વાળ પકડી પાડ્યા. તે સાહિલને ખેંચીને સુરક્ષિત રીતે કિનારે લઈ આવી. કિનારે ઊભેલા છોકરાઓ અને બૂમાબૂમ થતાં દોડીને આવેલા લોકોએ સાહિલને બહાર કાઢી લીધો.
– નટવર હેડાઉ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.