અર્જુને વાઘને હંફાવ્યો

રસમાધુરી
રસમાધુરી

ઉત્તરાખંડ રાજયના ટીહરી ગઢવાલ જિલ્લાના ધનસાલી તાલુકામાં લગભગ ચાલીસ કુટુંબો ધરાવતું એક નાનું ગામ છે. તેનું નામ છે બડીયાર.આ ગામ મુખ્ય રસ્તાથી લગભગ બે કીલોમીટર અંદર છે.
૧૬ જુલાઈ, ર૦૧૪ ની સાંજ ઢળવા આવી હતી. આમ પણ પહાડી વિસ્તારોમાં અંધારૂં બહુ જલદી ઘેરાવા લાગે છે તેથી અંધારૂં થતાં વાર ન લાગી. સાત સાડા સાતનો સમય થઈ રહ્યો હતો. ગામનું ટ્રાન્સફોર્મર થોડા દિવસ પહેલાં જ બળી ગયું હતું તેથી ગામમાં એકદમ ઝડપથી અંધારૂં છવાવા લાગ્યું હતું. એકલદોકલ ઘરોમાં દીવડાનો પ્રકાશ ટમટમતો દેખાતો હતો.અર્જુનનું ઘર ગામથી કંઈક બહારની તરફ હતું.
આજે અર્જુને પોતે દાળ ભાત અને રોટલી બનાવી. તે ઘણીવાર એમ કરતો તેને ખાવાનું બનાવવાનો શોખ હતો. ખાવાનું ખાઈને તે હવે ભણવા માટે ઘરની અંદર બેઠો. પોતાની સ્કૂલની ચોપડીઓનાં પાનાં ફેરવતો હતો અને મોબાઈલમાં ધીમા અવાજે ગીતો સાંભળતો હતો.આજે તે અને તેની મમ્મી ઘરમાં એકલા જ હતાં તેના પિતા તો તે ત્રણ વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. હવે તેને તેમનો ચહેરો પણ યાદ નથી માએ જેમ તેમ કરીને બાળકોને ઉછેર્યા. માને વિશ્વાસ છે કે જલદીથી એ ભણી ગણીને કયાંય નોકરી કરવા લાગશે અને તેને મદદ કરશે.
તેવામાં અચાનક બહાર ઓસરીની બાજુના ઓરડામાં બાંધેલા પ્રાણીઓ ભાંભરવાનો અવાજ આવ્યો. માએ કહ્યું ખબર છે ભુખ લાગી છે ને ? આપું છું જરા ખમો. અર્જુન. હું ભેંસ અને વાછરડાને ચારો નાખીને આવું છું એમ કહીને તે પ્રાણીઓને ચારો નાખવા બહારની તરફ ગઈ. પ્રાણીઓને ચારો નાંખતાં તેને અંધારામાં આભાસ થયો કે જાણે કોઈ જંગલી જાનવર પોતાના બે પંજા ઉપર ઉભું થઈ તેની તરફ આગળ વધી રહ્યું છે. તેનું ગળું સુકાવા લાગ્યું. તે કાંઈ સમજે વિચારે તે પહેલાં તેણે તેના પર હુમલો કરી દીધો. તેના મોંમાંથી એક જાેરદાર ચીસ નીકળી ગઈ.
અર્જુન પોતાની ચોપડીઓમાં ખોવાયેલો હતો ત્યાં અચાનક સાંજના સન્નાટાને ચીરતી ચીસનો અવાજ તેના કાને પડયો. તે તરત ભાગ્યો. બહાર આવીને તેણે આછા અંધારામાં જાેયું તો તેની મા બેભાન પડી હતી અને એક વાઘ તેની તરફ ખતરનાક રીતે આગળ વધતો હતો.અર્જુનના હાથમાં તે વખતે કંઈ હતું નહીં તેણે જાેરદાર અવાજ કરી વાઘને પડકાર્યો અને તરત પાછળ ફરી બારણા પાસે ખુણામાં પડેલ દાતરડું ઉપાડી લીધું. હવે તે ઝડપથી વાઘ તરફ ધસ્યો. વાઘનેપોતાના શિકારની વચ્ચે ઉભી થયેલી અડચણ ગમી નહીં અને તે અર્જુનની માને છોડીને અર્જુનની તરફ આવ્યો.
દાતરડું નાનું હતું અચાનક તેની નજર સામે રહેલ લાકડી પર ગઈ. તેણે લાકડી ઉઠાવી લીધી અને આગળ વધી પુરી તાકાતથી ફેરવીને વાઘના માથા પર પ્રહાર કર્યો. જાેરથી વાગેલ ઘાથી હચમચી ગયો અને પાછો વળ્યો. તે દરમિયાન અર્જુને ઝટ દઈને તેની માને ઉપાડી દરવાજાની અંદર લઈ લીધી અને પછી વાઘનો સામનો કરવા આવી ગયો.
તેણે જાેયું કેતેની લાકડીનો માર ખાધા પછી વાઘ હવે પ્રાણીઓ તરફ જવા લાગ્યો છે. તેથી અર્જુને જાેરથી બુમ મારી વાઘ પર હુમલો કરી દીધો. વાઘે જ્યારે વિઘ્નરૂપે અર્જુનને પોતાની સામે જાેયો તો એ અર્જુન પર તુટી પડયો.પણ અર્જુન પહેલેથી તેના માટે તૈયાર હતો. તેણે ફેરવી ફેરવીને ત્રણ ચાર જાેરદાર પ્રહાર તેના પર કરી દીધા. આ હુમલાથી તે ગભરાયો અને ખિજાઈને તેણે અર્જુન પર હુમલો કર્યો. અર્જુને પોતાની જાતને તો બચાવી પણ તેને પોતાની લાકડીનો પ્રસાદ ચખાડી દીધો. આ દરમિયાન તેને પડકાર્યે જતો હતો. જાેકે આ ઝપાઝપીમાં તેના હાથ પર વાઘનાં પંજાનાં નિશાન થઈ ગયાં હતાં પરંતુ તેની તેને પરવા નહોતી.
આટલો શોરબકોર સાંભળીને પાડોશનાં ઘરોમાં રહેતા લોકો પણ અવાજાે કરવા લાગ્યા. શું થયું કોણ છે ? કહેતાં લોકો આવી ગયા. જ્યારે તેઓએ અર્જુનને વાઘ સાથે મુકાબલો કરતો જાેયો તો તેઓ દંગ રહી ગયા. તેમણે બુમાબુમ કરતાં પથ્થરો ફેંકવાના શરૂ કરી દીધા. તે દિવસે અગિયાર વાગ્યા સુધી લોકોનો જમાવડો અર્જુનના ઘર આગળ લાગેલો રહ્યો. જેનાથી ગભરાઈ વાઘ જંગલની તરફ ભાગી ગયો. લોકોએ ટોર્ચનું અજવાળું ફેંકી, બુમાબુમ કરી છેક ખેતરો સુધી જઈ ખાતરી કરી કે વાઘ હવે ત્યાં નથી એ ત્યાંથી ભાગી ગયો છે. ગામના લોકોએ અર્જુનની માને હાથમાં થયેલ ઈજાઓ પર દેશી દવા લગાવી પાટો બાંધી દીધો.
તેઓ બીજે દિવસે તેને સારવાર માટે ધનસાળી લઈ ગયા.
વન વિભાગે વન્ય પ્રાણી દ્વારા ઘાયલ થવાને કારણે અર્જુનની મા વિક્રમાદેવીને વળતરની રકમ રૂપે પંદર હજાર રૂપિયા આપ્યા. રાજયના મુખ્યમંત્રીએ અર્જુનને વાઘથી પોતાની માનો જીવ બચાવવા બદલ એકાવન હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. જ્યારે રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કાર માટે મોકલવામાં આવેલ ચાર નામોમાં અર્જુનનું નામ સંજય ચોપડા પુરસ્કાર માટે પસંદ થયું હોવાની જાણ થઈ ત્યારે બડીયારના લોકો ખુશીથી નાચી ઉઠયા.
અર્જુનને જ્યારે વડાપ્રધાનને હાથે રાષ્ટ્રીય બાલ વીરતા પુરસ્કાર આપવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યો ત્યારે તે તેની મા અને પોતાની શાળાના શિક્ષક સાથે દેશની રાજધાની પહોંચ્યો. તે દિલ્હી પહેલી વાર આવ્યો હતો. દેશભરમાંથી આવેલ તેનાં જેવાં જ બહાદુર બાળકી અને દેશની મોટી મોટી હસ્તીઓને મળી તે ખુબ ખુશ થયો. અર્જુન લશ્કરમાં ભરતી થઈ દેશની સેવા કરવા માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.