ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ડ્રોન ટેકનોલોજી આધારિત વોકેશનલ કોર્સ દ્વારા કૌશલ્ય વર્ધન યુવાધન તૈયાર કરવાની દિશામાં રાજ્ય સરકારની અનોખી પહેલ
ડ્રોન ટેકનોલોજી એવું વિકસી રહેલું ક્ષેત્ર છે, કે તેનો વ્યાપ ખેતર થી લઈને ખેલના મેદાન સુધી તેમજ જરૂરિયાત અને આપાત કાલીન સમયે લાઈફ સેવિંગ સુધી વિસ્તર્યો છે. ડ્રોન એ દૂર સુદૂરના વિસ્તારોમાં સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બન્યું છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થઈ રહ્યો હતો પરંતુ હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા પાર્સલ, મેડિસિન- વેકસીન અને ફૂડની ડિલીવરી સહિત ડોર સ્ટેપ બેન્કિંગ જેવી સેવાઓ શક્ય બની છે. ત્યારે આધુનિક સમયમાં ઝડપી સેવા અને આપાત કાલીન જરૂરિયાતના સંજોગોમાં ડ્રોન ટેકનોલોજી આશીર્વાદ રૂપ બની રહે એમ છે.
ડ્રોન ટેકનોલોજીની વિપુલ સંભાવનાઓને પગલે રાજ્ય સરકાર દ્વારા તેને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ઉપક્રમે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ડ્રોન ટેકનોલોજી આધારિત વોકેશનલ કોર્સ શરૂ કરી રોજગારીની નવી તકો પુરી પાડી કૌશલ્ય વર્ધન યુવાધન તૈયાર કરવાની દિશામાં અનોખી પહેલ કરવામાં આવી છે.
ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ડ્રોન થી ખેતરમાં દવાનો છંટકાવ થાય છે. અને આ ટેકનોલોજી ને રાજ્યભરના ખેડૂતો ધીમે ધીમે અપનાવી રહ્યા છે. ત્યારે ખેતી અને પશુપાલન પર ર્નિભર બનાસકાંઠા જીલ્લામાં ડ્રોન ની તાલીમ મેળવેલ ખેડૂત નો દીકરો પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરતો નજરે પડે એ દિવસો દૂર નથી. પાલનપુર માં આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા ( આઈ.ટી. આઈ.) માં ડ્રોન ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમ શરૂ કરાયો છે. જેમાં તાલીમ મેળવી બનાસકાંઠા જિલ્લાના યુવાઓ આર્ત્મનિભર અને સ્વરોજગારી મેળવી પોતાના સપનાંને સાકાર કરી શકશે.
ઔધોગિક તાલીમ સંસ્થા ( આઈ.ટી. આઈ.) પાલનપુરના પ્રિન્સીપાલ એમ.એન પટેલ જણાવે છે કે સંસ્થામાં પરંપરાગત ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મોટર મિકેનિકલ, રેફ્રીજરેશન, ઓટો મોબાઈલ જેવા ટ્રેડ સહિત એડવાન્સ ટેકનોલોજી આધારિત કલાઉડ ડેટા સેન્ટર ટેન્કિશિયન, ગ્રીન એનર્જી, સોલાર એનર્જી અને ડ્રોન ટેકનોલોજી જેવા આધુનિક સમયની માંગ મુજબના લાંબા અને ટૂંકા ગાળા ના ૪૨ જેટલા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર વર્ષે ૧૫૦૦- ૨૦૦૦ વિદ્યાર્થીઓ વિવિધ વિષયોની તાલીમ મેળવી સ્વરોજગારી/ રોજગારી મેળવી પોતાની કારકિર્દી ઘડતરની દિશામાં આગળ વધી રહ્યા છે.
ચાલુ વર્ષે ઔધોગિક તાલીમ સંસ્થા ( આઈ.ટી. આઈ.) પાલનપુરમાં ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે ડ્રોન આધારિત ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલિંગ ટેન્કિશિયન નો ત્રણ મહિનાનો વોકેશનલ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રસ ધરાવતા યુવાઓને ડ્રોનના તમામ પાસાઓની અને પાયાની બાબતોની સમજ સાથે ડ્રોનના ઈમ્પોર્ટન્ટ પાર્ટ એસેમ્બલિંગ કરી શકવાની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. પ્રથમ બેચમાં ૨૫ વિધાર્થીઓએ આવી તાલીમ મેળવી છે. તેમજ આગામી બેન્ચ માટે પણ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. સરહદી સીમા અને વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પણ ખેતી થી માંડી સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં યુવાઓને ડ્રોન આધારિત તાલીમ રોજગારીની વિપુલ તકો પુરી પાડશે અને આ તાલીમ દ્વારા સ્થાનિક લેવલે યુવાઓને રોજગારી અને સ્વ રોજગારી મેળવવાની તકો ઉભી થશે. જે જિલ્લાની બેરોજગારીની સમસ્યાના નિવારણમાં મહત્વની પુરવાર થશે.
ફોટોગ્રાફી થી ફાર્મ અને ડૉર થી ડિફેન્સ સુધીના ક્ષેત્રોમાં આજે ડ્રોન નો ઉપયોગ અને મહત્વ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, જંગલ વિસ્તાર ,આદિવાસી પહાડી ડુંગરાળ વિસ્તારમાં અનેક પ્રકારે ડ્રોનનો ઉપયોગ કરી સેવાઓ પહોંચાડવાની તકો રહેલી છે. તાજેતરમાં ૫ મી જૂને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ” વન કવચ ” પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગબ્બર – અંબાજી ખાતે ડ્રોન ની મદદ થી સિડબોલ નું વાવેતર કરાયું હતું. અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં માનવ પહોંચી શકતો નથી એવી જગ્યાએ ડ્રોન દ્વારા અનેક સેવા અને મદદ પહોંચાડી શકાય છે.
ટુરિઝમ, ડિઝાસ્ટર, મીડિયા સહિત સર્વેલન્સ અને રિસર્ચના ક્ષેત્રે પણ ડ્રોન ટેન્કોલોજીના ઉપયોગની વિશાળ તકો રહેલી છે. ઈમરજન્સીની સ્થિતિમાં ઉપચાર માટેનાં તબીબી ઉપકરણો- દવાઓ પણ ડ્રોનથી પહોંચાડી શકાય છે. ઊંચાઈવાળા સ્થળોની યાત્રા દરમિયાન ઘણીવાર યાત્રિકો ઓક્સિજનની અછત અનુભવે છે, હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનો ભોગ બને છે, આવા સમયે ડ્રોનની મદદથી જરૂરી દવાઓ અને તબીબી ઉપકરણો સમયસર પહોંચાડી શકાય છે. આમ ડ્રોન ની તાલીમ આજના યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે રોજગારીની વિપુલ તકો પુરી પાડી આશીર્વાદરૂપ બની રહ્યું છે.
નોંધનીય છે કે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ હેઠળ તાલીમ મેળવનારા યુવાનોનો અપડેટેડ ડેટાબેઝ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમજ ડિજિટલ ટેન્કોલોજી અને છૈં ના આગમન પછી ભારતના તાલીમબદ્ઘ કર્મચારીઓ પાછળ ન રહી જાય એવી ચિંતા કરી છે. તો ૨૦૩૦ સુધી ભારતને ગ્લોબલ ડ્રોન હબ બનાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતને સમગ્ર દેશમાં ડ્રોન ટેન્કોલોજીનું કેપિટલ બનાવવા કટિબદ્ધ છે ત્યારે સેવા અને સ્માર્ટ પ્રોફેશનનો સુંદર સમન્વય એવી ડ્રોન આધારિત તાલીમ આજના યુવાઓ માટે રોજગારીની સુવર્ણ તક સાબિત થશે.