આવતીકાલે મોડી રાત સુધીમાં ગુજરાત કોંગ્રેસના વધુ ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરાશે

આગામી તા.ર૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ર૬ બેઠકનો ચૂંટણીજંગ થનાર હોઇ રાજયના બંને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી બાબતે ભારે કશ્મકશ જોવા મળી છે, તેમાં પણ કોંગ્રેસ તો પહેલે ધડાકે પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના ચાર ઉમેદવારનાં નામની જાહેરાત કરીને રાજકીય વર્તુળોને ચોંકાવ્યાં છે. હવે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આવતી કાલ એટલે કે મંગળવારની મોડી રાત સુધીમાં વધુ દસ બેઠકના ઉમેદવારનાં નામની જાહેરાત કરાય તેવી શકયતા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આણંદમાંથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ (પૂર્વ)માંથી રાજુ પરમાર સહિત ચાર ઉમેદવારની પસંદગી ગત તા.૮ માર્ચે જાહેર કરાયા બાદ અન્ય બેઠક પરના ઉમેદવારોની પસંદગીના મામલે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા ફેલાઇ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ગઇ કાલે જે તે બેઠક માટે રજૂઆત કરવા ટિકિટવાંછુઓનાં ધાડેધાડાં ઊમટી પડ્યાં હતાં. દરમિયાન ગત શુક્રવારે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી ખાતે ગુજરાતના ઉમેદવારોની પસંદગી બાબતે યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠક રદ થતાં આ બંને નેતાઓ અમદાવાદ પરત ફર્યા હતા તેમ જણાવતાં જાણકાર સૂત્રો વધુમાં ઉમેરે છે. આવતીકાલે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે એટલે આ બેઠકમાં ભાગ લેવા આજે બપોરે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી જશે. દિલ્હીમાં આવતીકાલે સવારના ૧૦ વાગ્યે મળનારી સ્ક્રીનિંગ કમિટીની બેઠકને લઇ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઊઠી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ આ વખતે ગત લોકસભાની ચૂંટણીમાં 'હારેલા' ઉમેદવારોને ફરીથી રિપીટ નહીં કરે તેવી ચર્ચા વચ્ચે હાલના કેટલાક ધારાસભ્યને લોકસભાના ચૂંટણીજંગમાં ઉતારશે તેમ પણ લાગે છે. આવતીકાલે મોડી રાત સુધીમાં એટલે કે રાતના ૧૦ વાગ્યા સુધીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ વધુ ૧૦ ઉમેદવારનાં નામની જાહેરાત કરશે, જોકે આ ૧૦ બેઠક કઇ હશે તે મામલે રહસ્ય હજુ ગૂંચવાયેલું છે, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ ગત તા.૮ માર્ચ બાદ હવે આવતી કાલ તા.૧૯ માર્ચ ગુજરાતના ઉમેદવારોનાં નામની જાહેરાતને લઇ બીજી યાદી પ્રસિદ્ઘ કરશે તે બાબત ચોક્કસ છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.