બનાસકાંઠામાં ભૂકંપના બે આંચકા, અમીરગઢના ભાચલા અને વડગામના મેમદપુર પાસે એપી સેન્ટર નોધાયા

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે રાત્રે ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. આઈએસઆરમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અલગ અલગ સમયે બે આંચકા નોધાયા હતા. રાત્રે 10.31 કલાકે 4.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું એપી સેન્ટર પાલનપુરથી ઉત્તરે અમીરગઢ તાલુકાના વિરમપુર -ભાચલા ગામ પાસે નોધાયું હતું.જેની ઊંડાઈ 3.1 કિમી નોધાઈ હતી. જ્યારે બીજો રાત્રે 12.02 કલાકે 1.7ની તીવ્રતાનો હળવો આંચકો પણ નોધાયો છે. જેનું એપી સેન્ટર વડગામ તાલુકાના મેમદપુર ગામ પાસે નોધાયું હતું. જોકે, લોકોને તેનો અનુભવ થયો ન હતો. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક જ રાતમાં ભૂકંપના બે આંચકા નોધાતા પેટાળમાં કોઈ હલચલ થતી હોવાના અનુમાન સાથે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. 
બનાસકાંઠાના પાલનુપર, દાતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડીસા સહિત સાબરકાંઠા અરવલ્લીના હિંમતનગર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં 10-31 કલાકે ભૂકંપના આંચકા અનુભવતા લોકો ડર અને ગભરાટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. પાલનપુરમાં ફલેટમાં રહેતા લોકોમાં થોડો ડર વધારે દેખાતો હતો. બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ઇડર, હિમંતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા છે. મહેસાણાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સતલાસણાના ધરોઈમાં ભૂકંપનો આંચકો આવ્યો છે.ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં થલતેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે અમદાવાદના થલતેજ, વેજલપુર, સેટેલાઈટ જેવા વિસ્તારના બહુમાળી ઇમારતમાં રહેતા લોકોને પણ ભૂકંપનો અનુભવ થયો હતો. જો કે તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.