બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 20નાં મોત, અનેક ઘાયલ

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના શોહારીમાં બે કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ઓછામાં ઓછા ર૦ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મ‌ી‌ડિયાના અહેવાલ અનુસાર આમાંની એક કાર એક સ્ટોરની બહાર ઊભેલા રાહદારીઓને કચડી નાખીને પુરપાટ ઝડપે આગળ નીકળી ગઇ હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ન્યૂયોર્ક રાજ્યની રાજધાની અલબાની નજીક સ્કોરની કાઉન્ટીમાં એ વખતે થયો હતો જ્યારે રોંગસાઇડમાંથી આવતી કાર એકબીજા સામે ભયાનક રીતે ટકરાઇ હતી. અલબાની ટાઇમ્સ યુનિયને પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે એક કાર પહાડ પરથી પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

 

સ્થાનિક નાગરિક બ્રાઇડી ફિનાજેને જણાવ્યું હતું કે આ અકસ્માત વખતે એક જોરદાર ધડાકો થયો હતો. ઘરની બહાર જઇને જોયું તો ભારે ભીડ જામી હતી. મેં એક મોટી વાન જોઇ હતી, જે આ અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. એક કાર ઝાડ સાથે પણ ટકરાઇ હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર જે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી તે પૈકી એક કાર લિમોજીન હતી. આ અકસ્માત ન્યૂયોર્ક શહેરથી ૧૭૦ માઇલ ઉત્તરમાં થયો હતો. લિમોજીન કાર લગ્ન સમારોહમાં સામેલ થવા જઇ રહેલ પ્રવાસીઓને લઇને જઇ રહી હતી.

 

ન્યૂયોર્ક પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરતાં જણાવ્યું હતું કે બંને કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે તેમાં ર૦ લોકોનાં મોત થયાં હતાં. પોલીસે જોકે હજુ આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નામ જાહેર કર્યાં નથી.

 

પોલીસનું કહેવું છે કે સૌ પહેલાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જાણ કરવામાં આવશે અને ત્યાર બાદ તેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. પોલીસે આ અકસ્માતના સ્થળ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ અકસ્માત એપલ બેરલ કન્ટ્રી સ્ટોર નજીક થયો હતો.

 

આ અકસ્માતની જાણ થતાં રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડે જણાવ્યું હતું કે તેઓ એપલ બેરલ કન્ટ્રી સ્ટોર અને કાફે સામે અકસ્માત સ્થળે તપાસ અધિકારીઓને મોકલી રહ્યા છે. તપાસ અધિકારીઓ દ્વારા તપાસ થયા બાદ અકસ્માતનું સાચું કારણ જાણવા મળશે.

 

આ બંને કાર વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે તેના કારણે એક મોટો ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.