કોંગ્રેસને ફટકો : અલ્પેશ ઠાકોર આજે ભાજપમાં જોડાશે ?

આખરે રાધનપુરના ધારાસભ્ય અને ક્ષત્રીય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. લોકસભાની ચૂંટણીમાં પાટણ, બનાસકાંઠા બેઠક પર કપરાં ચઢાણ હોવાથી ભાજપને પણ છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી છે.ચૂંટણીની જાહેરાત પહેલાં જ જ્યારે કૉંગી ધારાસભ્યોના પક્ષપલટાની મોસમ ખીલી હતી ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપ સાથે ઉઘાડેછોગ સંપર્કમાં હતા અને મુખ્યમંત્રીની મુલાકાત પણ લઈ ચૂક્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે, એ વખતે અલ્પેશ પોતાના માટે કેબિનેટ દરજ્જો અને સાથે આવનારા વધુ ત્રણ ધારાસભ્યો માટે પણ મંત્રીપદની જીદ પકડતાં ભાજપે એ સોદાબાજી ફોક કરી હતી.કૉંગ્રેસે ઠાકોરજૂથને રાજી રાખવા અલ્પેશને બિહારનું પ્રભારીપદ આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી દરેક સમિતિમાં પણ સ્થાન આપ્યું હતું. એ પછી પણ અલ્પેશે લોકસભાની બે બેઠક, પોતાની પત્ની માટે પાટણ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ માટે સાબરકાંઠાની માગણી કરી હતી. કૉંગ્રેસે અલ્પેશની અમર્યાદ મહત્વાકાંક્ષા પારખીને એ માગણીનો છેદ ઊડાડી દીધો હતો. ઉપરાંત, કૉંગ્રેસમાં હાર્દિકના આગમનને લીધે પણ અલ્પેશ જૂથનું મહત્વ ઘટી ગયું હતું.બુધવારે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કેસરી ખેસ ધારણ કરવામાં અલ્પેશની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ અને વાવના ધારાસભ્ય ગેનીબહેન પણ જોડાય તેવી ચર્ચા છે. એ સાથે કૉંગ્રેસને વધુ ત્રણ ધારાસભ્યોનો અને ગુજરાતની જનતાના માથે વધુ ત્રણ પેટાચૂંટણીનો ફટકો પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.