બામણા બસ સ્ટેન્ડ પાસે જીપ ડાલાની ટક્કરથી ભાઇ-બહેનના કરૂણ મોત

હિંમતનગર તાલુકાના ગાંભોઇ-ભિલોડા માર્ગ પર આવેલ બામણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સોમવારે બેફામ ગતિએ આવતા બોલેરો જીપ ડાલાના ચાલકે બે બાળકોને ટક્કર મારી હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાઇનું ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હતું, જયારે બહેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. આમ એક સાથે બે ભાઇ-બહેનના કરૂણ મોત થતા બામણા ગામના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જનાર જીપ ડાલાના ચાલકે અન્ય એક બાઇક ચાલકને પણ હડફેટે લેતા નુકશાન થયુ હતું. અકસ્માતની ઘટના સંદર્ભે ગાંભોઇ પોલીસે બોલેરો જીપ ડાલાના ચાલક વિરૂધ્ધ ગુનો દર્જ કરી કાર્યવાહી કરી હતી.
 
અકસ્માતની ઘટના અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે સવા બારેક વાગ્યાના સુમારે બામણા ગામના સ્ટેન્ડ પાસેથી બેફામ ગતિએ પસાર થતા બોલેરો જીપ ડાલા નં.જીજે.૦૯.એયુ.૩૧૪૮ ના ચાલકે બામણા ગામના બે બાળકો ક્રિયા કામીનભાઇ મોઢ પટેલ (ઉ.વ.૯) અને વંશ કામીનભાઇ મોઢ પટેલ (ઉ.વ.૪) ને ટક્કર મારતા બંને સગા ભાઇ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ચાર વર્ષના બાળક વંશનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયુ હતું, જયારે બહેન ક્રિયાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે સિવિલમાં ખસેડાયેલ ક્રિયાનું પણ સારવાર દરમિયાન મોત થતા બામણા ગામના મૃતક બાળકના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
 
અકસ્માતની ઘટના દરમિયાન જીપ ડાલાના ચાલકે એક બાઇક સવારને પણ હડફેટે લીધા હતા. જેમાં બાઇક નં.જીજે.૦૯.સીએમ.૩૯૪૬ સાથે ડાલુ અથડાવતા બાઇક ચાલકને નુકશાન થયુ હતું. જેથી માનપુરના રહીશ કાન્તીસિંહ મગનસિંહ મકવાણાએ બોલેરો જીપ ડાલાના ચાલક વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માતની ઘટના બાદ જીપ ડાલાનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી ભાગી છૂટયો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બામણા ગામના સ્ટેન્ડ પાસે બંને માસૂમ ભાઇ-બહેન રમી રહ્યા હતા તે દરમિયાન જ જીપ ડાલાના ચાલકે બાળકોને હડફેટે લેતા બંને ભાઇ-બહેન મોતને ભેટતા ગામમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.