દેશમાં જંગી જીત બાદ આજે મોદીની ગુજરાતમાં પ્રથમ મુલાકાત : માતાના આશીર્વાદ લેશે ને કાર્યકર્તાઓને સંબોધશે

દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે. ગુજરાત આવી રહેલા મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત, અભિવાદન કરશે અને અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોક ખાતેના ઐતિહાસિક ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે.ચૂંટણી પરિણામો બાદ મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે.
 
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે જ આવશે. આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. મોદી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા- રીવરફ્રન્ટ થઇને સાંજે 5.30 કલાકે ખાનપુર જે.પી.ચોક ખાતે પહોંચશે. અહીં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવાશે. મોદી અને અમિત શાહ અહીં આભારદર્શન જનસભા સંબોધશે અને પ્રજાજનોનું અભિવાદન કરશે. પરિણામો બાદ મોદીની આ પ્રથમ જાહેર સભા યોજાઇ રહી છે. ખાનપુરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ગાંધીનગર માતા હીરાબાની મુલાકાતે જશે. આજે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે દિલ્હી જવા રવાના થશે.નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે રાજભવન ખાતે રોકાણ કરવાના છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજી ગુજરાતની સ્થિતિ અંગે ચર્ચા કરશે. લોકસભા ચૂંટણી બાદ હવે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત મનાય છે. બીજીતરફ અલ્પેશ ઠાકોર પણ ગમે ત્યારે ભાજપમાં જોડાશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગૂમાવવી પડે તેવી સંભાવના છે ત્યારે આ તમામ મુદ્દાઓ અંગે ચર્ચા થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.