ગુજરાતના એક ગામે યોજાયા અનોખા લગ્ન : કન્યા વિના કરાયા વરરાજાના લગ્ન

હિંમતનગર: હાલ લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે માનસિક રીતે દિવ્યાંગ યુવક લોકોના વરઘોડા જોઈ ઉત્સાહિત બની જતો હતો અને તેને પણ વરરાજા બનાવની ઈચ્છા થતા સતત ઘરના સભ્યો આગળ મારા લગ્ન ક્યારે...? નું રટણ કરતા પરિવારજનોએ પણ દિવ્યાંગ યુવકની ઈચ્છા પૂર્ણ કરવા લગ્ન કંકોત્રી છપાવી, વરઘોડો કાઢી જમણવાર રાખી પુત્રની ઈચ્છા પૂર્ણ કરી અનોખા લગ્ન યોજ્યા હતા. પરંતુ તેમાં એક ઉણપ હતી અને તે હતી કન્યાની.
 
હિંમતનગરના ચાંપલાનાર ગામે એક અનોખી રીતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં વરરાજા ખરા....વરઘોડો પણ ખરો...જમણવાર પણ ખરો...માત્ર કન્યા જ નહિ. આ અનોખા લગ્ન સમારોહમાં પરિવારજનો,સગા સંબંધીઓ અને ગામલોકો જોડાયા હતા અને નાચ-ગાન સાથે લગ્ન પ્રસંગને માણ્યો હતો.
 
હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. તેની બાળપણથી જ ઈચ્છા હતી કે તેનો વરઘોડો પણ ધામધૂમથી નીકળે ત્યારે શુક્રવારે ચાંપલાનાર ગામે અજય ઉર્ફે પોપટનો જાહોજહાલી ભર્યા માહોલ સાથે વરઘોડો યોજાયો હતો. પરંતુ અજયના આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત હતા.એનાથી આગળની લગ્ન વિધિ આ વરરાજાના નસીબમાં ન હતી.
 
આ લગ્ન પ્રસંગ વિષે વાત કરતા અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ચાંપલાનાર ગામમાં ગમેતેનું લગ્ન હોય કે પછી હોય નવરાત્રી....નાચવામાં અજય પાછો ના પડે...બીજાના લગ્નના વરઘોડા જોઇને અજય હમેશા પૂછતો કે એના લગ્ન ક્યારે? અને આ સવાલ સાંભળી મારી અને મારી પત્ની જે અજયની સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતા સવિશેષ એવી તેની માતાની આંખમાં આંસુ આવી જતા અને.છેલ્લે અજયના મામા કમલેશ બારોટે ભાણેજની ઈચ્છા પૂર્ણ કરવા સહકાર અપાતા અનોખા લગ્ન યોજી અજય ઉર્ફે પોપટના લગ્નપ્રસંગ ધામધૂમ થી યોજ્યો હતો.
 
અજયના મામા કમલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે અજયના નસીબમાં લગ્ન ન હતા તેમ છતાં તેની બાળપણ થી અત્યારસુધીની લગ્ન કરવાની તમન્ના પૂર્ણ કરવા માટે લગ્ન યોજવામાં આવ્યા હતા. માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા.તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો હતો અને તેનું વરરાજા બનવાનું સ્વપ્ન પરિવારે વાસ્તવિકતામાં પલટી નાખ્યા હતા.જેથી ભલે લગ્નમાં કન્યા ન હતી મળવાની તેમછતાં લગ્નનો હરખ અજયના ચહેરા પર ઝળકી ઉઠ્યો હતો અને સતત ખુશીથી જુમી ઉઠ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.