બનાસકાંઠાની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર ‘ફોલ્ડરો' ના પ્રવેશ પર પ્રતિબંધનું બાળમરણ

ગુજરાત સરકારે આરટીઓ કચેરીઓને ગેરરીતિ મુક્ત કરવાના આશયથી રાજ્ય સરકારે આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓ એટલે કે ખાનગી ફોલ્ડરોના પ્રવેશ પર પાબંધી ફરમાવી છે પરંતુ રાજ્ય સરકારનો આ આદેશ પોથીમાંનાં રીંગણાં જેવો સાબિત થઈ રહ્યો છે અને બનાસકાંઠાના અમીરગઢ સહિતની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર આ આદેશનું ઉલ્લંઘન કરતા ફોલ્ડરિયાઓનો દબદબો આજે પણ નજરે પડી રહ્યો છે.
 
રાજ્ય સરકારે આરટીઓ કચેરીઓના અધિકારીઓને કામ કરતા કરવા અને ગેરરીતિઓ નાબૂદ કરવાના આશયથી આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.આ આદેશ બાદ બનાસકાંઠાના તત્કાલીન પોલીસ અધિક્ષકે આરટીઓ કચેરીઓની ઓચિંતી મુલાકાતો લઈ ખાનગી ફોલ્ડરોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.જોકે આરટીઓ કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર મુકાયેલા આ પ્રતિબંધનું બનાસકાંઠામાં તો બાળમરણ થઈ ગયું હોવાની પ્રતિતિ થઈ રહી છે અને આજે પણ જિલ્લાની લગભગ તમામ આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર 'ફોલ્ડર રાજ' યથાવત જોવા મળી રહ્યું છે.
 
એસીબીના સંભવિત દરોડાઓ વખતે આરોપનામાંથી બચવા માટે આરટીઓ અધિકારીઓ રાજ્ય સરકારના આદેશને અવગણી આજે પણ બિન્દાસપણે ખાનગી એજન્ટો રાખી તેમનો કાળો કારોબાર યથાવત રીતે ચલાવી રહ્યા છે.માહિતગાર સૂત્રોના જણાવ્યાનુસાર બનાસકાંઠાના અમીરગઢ સહિતની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર આજે પણ ફોલ્ડરોની મોટી ફૌજ કાર્યરત છે.અને કાળી કમાણી રળવા ટેવાઈ ગયેલા આરટીઓ અધિકારીઓ પણ ચેકપોસ્ટ પર આવતી ઓવરલોડ માલ ભરેલી ટ્રકોની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાના બદલે પોતાના હસ્તાક્ષર સાથેની કોરા મેમાવાળી બુકો ફોલ્ડરોને પકડાવી દઇ બેફામ પણે કડદા કરાવી રહ્યા છે.મેમો બનાવવાની સત્તા માત્ર આરટીઓ ફરજ પરના અધિકારીઓ પાસે જ હોવા છતાં ખાનગી એજન્ટો જ ટ્રક ચાલકોને મેમા પકડાવી દઈ રોકડી કરી લેતા હોવાની અને આવા વ્યવસ્થિત બિન અધિકૃત નેટવર્ક દ્વારા ટેક્સની આવક રાજ્ય સરકારની તિજોરી સુધી પહોંચવાના બદલે આરટીઓ અધિકારીઓ અને ફોલ્ડરો વચ્ચે વહેંચાઈ રહી છે.
 
અમીરગઢના આરટીઓ અધિકારીઓની રજામંદીથી ફોલ્ડરો એટલે કે ખાનગી એજન્ટો દ્વારા મન ફાવે તે રીતે મેમા બનાવી ટ્રક્ચાલકોના ખિસ્સા ખંખેરી લઈ એકત્ર કરાતી મસમોટી રકમના કવર દર બે કલાકે ચેકપોસ્ટ નજીકની એક ખાનગી હોટલ પર પહોંચી જાય છે અને આ ખાનગી સ્થળે જ ભાગબટાઈ થાય છે. અને આ રીતે પોતાના ફરજના સમયગાળા દરમ્યાન એકત્ર થતી રકમ લઈ આરટીઓ અધિકારીઓ ફરજ પુરી થયે ઘરભેગા થઈ જાય છે.
 
ઉલ્લેખનીય છે કે અગાઉ અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટની મેમાબૂકો ચોરાઈ ગઈ હોવાની ઘટનાઓ પણ બનેલ છે અને આવા મામલા પોલીસ સુધી પણ પહોંચ્યા છે પરંતુ આવા કેસોની પોલીસ તપાસનું સરવાળે ફીન્ડળું જ વળી જાય છે.એટલે કે આરટીઓ અધિકારીઓ પોતાના બચાવ માટે જ આવી ઘટનાઓ ઉપજાવી કાઢતા હોઈ પોલિસ પણ આવી ફરિયાદોની તપાસમાં સમય બરબાદ કરતી નથી.જે ઘણું બધું કહી જાય છે.આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ગંભીર બની આરટીઓ ચેકપોસ્ટ કચેરીઓ પર ઘોંસ વધારે તો રાજકોષની આવકને લૂંટાતી બચાવી શકાય તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.