ફૂટપાથ પર રહેતા બાળકના હાથમાં પુસ્તક જોઈને દુબઈ રીટર્ન યુવકે ભણાવવાનું શરૂ કર્યું છે.

ફૂટપાથ પર રહેતા બાળકના હાથમાં પુસ્તક જોઈને યુવકે ભણાવવાનું શરૂ કર્યું છે. સપ્તાહમાં એક દિવસ આ યુવક ફૂટપાથ પર રહેતા પરિવારનાં બાળકોને શિક્ષણ આપે છે. ઇન્દોરનો આ યુવક પોતાની કારકિર્દી બનાવવા સુરત આવ્યો હતો, પણ ગરીબ અને ફૂટપાથ પર રહેતા પરિવારનાં બાળકોની ચિંતા કરીને પોતાની કારકિર્દીના ઘડતરની સાથે યુવકે ફૂટપાથ પર રહેતાં બાળકોની પણ કારકિર્દી ઘડવાનું મન બનાવી લીધું છે.
 
પાલ આરટીઓ નજીક રહેતો રજત મૂળ ઈન્દોરનો વતની છે. આઠ વર્ષ અગાઉ દુબઈ અભ્યાસ માટે ગયેલા રજતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને દુબઈમાં જ બે વર્ષથી કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરતો હતો. જોકે, કન્સ્ટ્રક્શનના કામમાં તેનું મન ન લાગતાં ભારત પરત આવી ગયો હતો. ત્યાર બાદ તેને ફેશન ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા થઈ હતી. જેથી તે ગુજરાતના અમદાવાદ ખાતે ગયો હતો. ત્યાં તેને કોઈ વ્યક્તિએ સુરતમાં તેની ઈચ્છા મુજબની કારકિર્દી ઘડવામાં મદદ મળશે તેવું જણાવતાં તેણે સુરતની વાટ પકડી હતી.
 
સુરત આવ્યા બાદ તેણે એક ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં હેર સ્ટાઇલિસ્ટની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન એક દિવસ તેણે ફૂટપાથ પર એક બાળકના હાથમાં પુસ્તક જોયું અને તે બાળક રસપૂર્વક પુસ્તક નિહાળી રહ્યો હતો. આ ચિત્ર જોઈને રજતને આ બાળકને ભણાવવાનું મન થયું હતું. આ સાથે રજતે મજૂરાગેટ આઈટીઆઈ નજીક ફૂટપાથ પર રહેતા ત્રણ બાળકોને આઈટીઆઈની બહાર જ ભણાવવાનું શરૂ કર્યું છે.
 
રજતને ફુટપાથ પર રહેતા બાળકોને ભણાવતો જોઈ તેના મિત્રોને પણ આવા બાળકોને ભણાવવામાં અને તેમનું જીવન સુધારવાની ઈચ્છા થઈ ગઈ હતી અને તેના મિત્રો પણ તેની મદદમાં આવ્યા છે. ઘણી વખત રજતની સાથે તેના મિત્રો પણ આ બાળકોને ભણાવવામાં મદદ કરવા આવે છે તેમજ અન્ય સ્થળે પણ આવા બાળકો હોય અને અભ્યાસમાં રસ હોય તો તેમને ભણાવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.