સમીના ગુર્જરવાડા ગામે ખાળકૂવામાં પડી જતાં એક જ પરિવારના 5ના મોત

સમી તાલુકાના ગુજરવાડા ગામે સંડાશના ખાળ કૂવામાં પડી જતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમી તાલુકાના ગુજરવાડા ગામ ખાતે ગામની પરવાડે રહેતા અને સમી ખાતે દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રતિલાલ ભાઈ જલાભાઈ નાડોદા સાંજના સમયે પોતાની નોકરીથી આવી ઘરના આંગણામાં આવેલ શોચાલયમાં શૌચક્રિયા માટે જતા હતા.
ત્યારે શૌચાલય માટે બનાવેલા ખાળકૂવા ઉપર મૂકવામાં આવેલા લાલ પથ્થર પર પગ મૂકતાં જ તેમના વજનને કારણે તૂટી જતા એકાએક કૂવાની અંદર ખાબકી ગયા હતા પતિને કૂવામાં પડેલા જોઈ તેમના પત્ની મંજુલાબેન રતિલાલ તેમને બચાવવા જતા કૂવામાં ખાબક્યા હતા. ત્યારબાદ પતિ પત્ની ને અંદર પડેલા જોઈ તેમના કુટુંબીભાઈ અજાભાઈ ગગજીભાઈ તેમને બચાવવા જતા કૂવામાં પડી ગયા હતા. આ ત્રણને બચાવવા માટે રાજાભાઈ પચાણભાઈ પણ અંદર જતા એ પણ કૂવામાં ખાબકી ગયા હતા. ત્યારબાદ આ ચાર લોકોને બચાવવા જતા રતિભાઈ જલાભાઈ પણ અંદર પડતા ગુંગળામણને કારણે આ પાંચેય લોકોના મૃત્યુ થયા હતા. પાંચ જણા કૂવામાં પડ્યાના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કૂવામાં લાકડાની સીડી મૂકી અને લોખંડના આંકડા વડે એક બાદ એક તમામ મૃતદેહને બહાર કાઢ્યા હતા. તમામ લોકોને 108 મારફતે સમી રેફરલ હોસ્પિટલ લઈ આવતા ડોક્ટર દ્વારા આ તમામને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થતા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડી સાંજ સુધી પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી કરવામાં આવતા સમી ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.