ચાણસ્મા માર્કેટયાર્ડ ખાતે ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

 
 
 
 
                                   ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ચાણસ્મા દ્વારા માર્કેટયાર્ડ, ચાણસ્મા ખાતે ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, મુખ્યમહેમાનપદે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રી કે.સી.પટેલ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના અધ્યક્ષશ્રી જુગલજી ઠાકોર તેમજ અતિથિવિશેષપદે જિલ્લા રજીસ્ટ્રાર અને માર્કેટયાર્ડ, ચાણસ્માના વહીવટદારશ્રી સુનિલભાઇ ચૌધરી ઉપસ્થિત રહયા હતા.  આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષોથી બંધ પડેલ ચાણસ્માનું માર્કેટયાર્ડ ચાણસ્મા તાલુકાના ખેડૂતો અને વેપારીઓના સહયોગથી રાજય સરકારના પ્રયાસોથી ચાલુ કરવામાં આવેલ છે. ચાર મહિનામાં ખેડૂતો દ્વારા રૂ. ૪ કરોડનું કપાસનું વેચાણ કરવામાં આવેલ છે. માર્કેટયાર્ડના વિકાસ માટે રાજય સરકાર મદદ કરી રહી છે. રાજય સરકાર દ્વારા માર્કેટયાર્ડમાં શેડ બનાવવા રૂ. ૫૦ લાખની સહાય આપવામાં આવી છે. આગામી સમયમાં આંતરિક રસ્તાઓ બનાવવા માટે રૂ. ૫૦ લાખની સહાય આપવામાં આવશે. માર્કેટયાર્ડમાં ખેડૂતોની સુવિધાઓ વધારવામાં આવશે. આગામી સમયમાં ખેડૂતોની તમામ જણસોનું આ માર્કેટયાર્ડમાં વેચાણ થાય તેવું આયોજન કરવામાં આવશે.  આ વિસ્તારના વધુમાં વધુ ખેડૂતો પોતાનો માલ વેચાણ કરી માર્કેટયાર્ડના વિકાસમાં સહભાગી બને તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.  વધુમાં મંત્રી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં આ વર્ષે ઓછામાં ઓછો વરસાદ ચાણસ્મા તાલુકામાં નોંધાયેલ છે. રાજય સરકારે ઉદાર નીતી અપનાવી પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે. પાટણ જિલ્લાના ખેડૂતો માટે રૂ. ૧૮૩ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે. રાજય સરકારે ઝડપી કાર્યવાહી કરી ચાણસ્મા તાલુકાના ૧૯,૪૬૫ ખેડૂત લાભાર્થીઓ પૈકી ૧૮,૩૨૯ ખેડૂતોને આજદિન સુધીમાં રૂ. ૧,૪૬૮ લાખની ઇનપુટ સહાય ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે. બાકીના ખેડૂતોને બે દિવસમાં સહાય ચુકવાઇ જશે. ખેડૂતોનું દેવું ન વધે તે માટે ભારત સરકારે બે હેકટર સુધીના ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ. ૬,૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ખેડૂતોને વીજળીનું બીલ ઓછું આવે તે માટે રાજય સરકારે સ્કાય યોજના અમલી બનાવી છે.  જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેશભાઇ પટેલે ભારત સરકાર અને રાજય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની સવિસ્તાર માહિતી આપી હતી.  જિલ્લા રજીસ્ટ્રાર અને માર્કેટયાર્ડ, ચાણસ્માના વહીવટદાર સુનિલભાઇ ચૌધરીએ વેપારીઓને ખેડૂતોને પાકના સારા ભાવો આપવા અને વધુમાં વધુ ખેડૂતો પાકનું વેચાણ કરી માર્કેટયાર્ડના વિકાસને વેગવંતો બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે કિશોર મહેશ્વરી, બાબુભાઇ પટેલ, દેવાંગ ચૌધરી, કનુભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, કૌશિક પટેલ, વેપારીઓ અને આજુબાજુ ગામોના ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.