બિનસચિવાલયની છેલ્લી ઘડીએ પરીક્ષા રદ,આઠ લાખ અરજદારોની મહેનત પાણીમાં

ગુજરાતમાં આગામી ૨૦ મી ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલયની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરી દેવાતા આઠ લાખથી વધુ અરજદારોમાં નારાજગી પ્રસરી ગઈ છે.
     બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારની સુચનાનુસાર ગુજરાત ગૌસેવા પસંદગી મંડળ દ્વારા  મોટા ઉપાડે આગામી ૨૦ ઓક્ટોબરે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષા માટે રાજયભરમાંથી આઠ લાખ જેટલા અરજદારો પણ નોંધાયા હતા.બીજી બાજુ, આ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં નસીબ અજમાવનાર અરજદારોએ આ પરીક્ષામાં સફળતા મેળવવાના નિર્ધાર સાથે આકરી મહેનત પણ આદરી હતી અને આ પરીક્ષાની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત અરજદારોએ નવરાત્રીની મજા માણવાનું પણ ટાળ્યું હતું. દરમ્યાન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય પરિક્ષા માટે પરીક્ષા કેન્દ્રોની ફાળવણી સાથે અરજદારોને કોલ લેટર પણ ઇસ્યુ કરી દેવાતા અરજદારો પણ અંતિમ ચરણની તૈયારીઓમાં લાગી ગયા હતા. જોકે ગણતરીના દિવસો પૂર્વે જ રાજ્ય સરકારના આદેશથી આ પરીક્ષા રદ કરી દેવાનો નિર્ણય જાહેર કરાતા રાજ્યભરના અરજદારોમાં નારાજગીનો માહોલ સર્જાઈ ગયો છે અને છેલ્લી ઘડીએ આ પરીક્ષા રદ કરવાના નિર્ણયથી અચરજ સાથે આક્રોશ પણ સર્જાયો છે. 
   
શુક્રવારે મોડી સાંજે બિન સચિવાલયની પરીક્ષા રદ કરાઇ હોવાના અહેવાલો વહેતા થતા આ મામલે અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા હતા અને પેપર ફૂટી જવા સાથે આર્થિક ગેરરીતિઓ આચરાઈ હોવાના પગલે આ પરીક્ષા રદ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી.
વળી, રાજ્યમાં છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પગલે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાની વાતો પણ વહેતી થઈ હતી.જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવના હસ્તાક્ષર સાથે જારી કરાયેલા આદેશમાં પરીક્ષા રદ કરવાના કારણ સંદર્ભે કોઈ ફોડ પડાયો નથી કે હવે આ પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે પણ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ આ પરીક્ષા રદ કરી દેવાના નિર્ણયથી રાજ્ય સરકાર વધુ એક વાર બેકફૂટ પર આવી ગઈ છે. આટલી મોટી પરીક્ષાના આયોજન પૂર્વે પેટાચૂંટણી સહિતના કોઈ ફેક્ટર ધ્યાને ના લઈ હવે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ રાજ્ય સરકારની અનિર્ણાયક સ્થિતિ પણ છતી થઈ ગઈ હોઈ રાજ્યભરના અરજદારો તેમજ તેમના વાલીઓમાં પણ રીતસર આક્રોશ ભડકી ઉઠ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયની ઠેકડી ઉડાવતા મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં પ્રજાકીય નારાજગી પણ સ્પષ્ટ પણે ડોકાઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.