આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે કે કેમ તેને લઇ પ્રશ્નાર્થ

 રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પક્ષ પલટા અંગે  છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, અલ્પેશે આખરે કોંગ્રેસને  તિલાંજલિ આપી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પોતાના તમામ પદથી રાજીનામું મોકલી આપ્યું હતું. જો કે તે ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતને લઇ પ્રશ્નાર્થ છે. અલ્પેશ ઠાકોરના અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે,અલ્પેશ ઠાકોરના ભાજપ સાથે થયેલા સોદા મુજબ, અલ્પેશના સાથી ધારાસભ્યો એવા ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડવા તૈયાર ન થતાં અલ્પેશની બાજી ઉંધી પડી રહી છે. જ્યારે અલ્પેશ સાથે હાલ માત્ર એક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે. જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી દે તો ભાજપમાં તેને પ્રવેશ મળે કે નહિં તે વિષે હાલમાં કઈ કહી શકાય તેમ નથી.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે એવી વહેતી થયેલી અટકળો વચ્ચે તેના સાથીદાર ધવલસિંહે આ મામલે ચૂપકીદી સેવીને કહ્યું હતું કે, ભરતજી અને અલ્પેશ સાથે મળીને કોઈ અંતિમ નિર્ણય લઈશ. પરંતુ છેલ્લા 24 કલાકથી અલ્પેશના કોંગ્રેસ છોડવાની ચાલી રહેલી અટકળો બાદ અલ્પેશ ચિત્રમાંથી ગાયબ થઈ ગયો છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરની રાજકીય જીવાદોરી ગણાતી ઠાકોર સેનામાં પણ આંતરિક વિખવાદ ઉભો થતાં અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવાનું સપનું હાલ રોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.