કેરળમાં વિનાશક પૂર પ્રકોપમાં ૩૨૪ લોકોના મોત : ૨ લાખથી વધુ બેઘર થયા

તિરુવનંતપુરમ : કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં ન આવ્યું હોય તેવા પૂરનો સામનો કરી રહ્યું છે. સીએમ પિનરાઈ વિજયને જણાવ્યું કે, મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં ૩૨૪ લોકોના મોત થઈ ચૂકયા છે. રાજયમાં થઈ રહેલા ભારે વરસાદથી લગભગ ૨ લાખ ૨૩ હજાર લોકો બેઘર થયા છે. આ લોકો લગભગ ૧,૫૬૮ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્ય હતા. દરમિયાનમાં પંજાબ સરકારે કેરળ માટે ૧૦ કરોડ રૂપિયા રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના  મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા જાહેર કરાયેલા ૫ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ અને બીજા ૫ કરોડ રૂપિયા ભોજન અને જરૂરી વસ્તુઓના રૂપમાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રી વિજયને જણાવ્યું કે, ૪ જિલ્લામાં પૂરની સ્થિતિ ઘણી જ ખતરનાક છે. આ જિલ્લામાં અલાપ્પુઝા, એર્નાકુલમ, પથનમતિત્તા અને ત્રિશૂર સામેલ છે. અહીં, પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓએ જળ પ્રકોપ મચાવ્યો છે. રાજયમાં ૮ ઓગસ્ટથી થઈ રહેલી તબાહીને પગલે પાક અને સંપત્તિઓ સહિત કુલ ૮ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. કેરળના મોટાભાગના શહેરોની હોસ્પિટલોમાં સ્ટાફ ઘટીને ૩૦થી ૩૫ ટકા રહી ગયો છે.જયારે કે બેડની સંખ્યા ૮૦થી ૯૦ ટકા વધી ગઈ છે. તો, લિકિવડ ઓકિસજન સપ્લાય અને જનરેટર ચલાવવા માટે ડીઝલના સ્ટોકની અછતથી ઘણી હોસ્પિટલો ઝઝૂમી રહી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ૪ કેપિટલ શિપ કોચ્ચિ પહોંચી છે. તે ડિઝાસ્ટર અને રિલીફ ટીમ સાથે કામ કરશે. ૨૪ ટીમો પહેલેથી જ પૂર પ્રભાવિત ગામોમાં છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડે અત્યાર સુધીમાં ૧૭૬૪ લોકોને બચાવ્યા છે અને ૪૬૮૮ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. રાજયમાં પૂર પ્રકોપની વચ્ચે આર્મી, હવાઈદળ, નૌકાદળ, ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમો લોકોને બચાવવાના કાર્યમાં લાગેલી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.