વડનગરમાં સાડા 3 વર્ષના બાળકને કરંટ આપી પાણીની ટાંકીમાં નાખી બાદમાં ફેંકી દીધો

 
 
વડનગરના  મોલીપુર ગામના શનિવારે સવારે ગુમ થયેલા સાડા ત્રણ વર્ષના મહંમદ અખલાક નામના માસૂમની લાશ રવિવારે સવારે કૌટુંબિક કાકાના ઘરની દીવાલ પાછળથી મળી આવી હતી. તેના શરીરે ઇજાના નિશાન હોઇ પોલીસે અપહરણના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે પાંચ ટીમો બનાવી શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.બીજીબાજુ આ માસૂમને કરંટ આપી પાણીની ટાંકીમાં નાખી બાદમાં દીવાલ પાછળ ફેંકી દીધાની ચર્ચા ગામલોકોમાં થઇ રહી છે. જોકે, પોલીસ આ મામલે ફોડ પાડવા તૈયાર નથી, પણ ટૂંકમાં ભેદ ઉકેલાઇ જશે તેમ જણાવ્યું હતું.
મોલીપુર ગામના અશદઅલી શેરઅલી મોમીનનો સાડા ત્રણ વર્ષનો દીકરો મહંમદ અખલાક શનિવારે સવારે 9 વાગે ઘર સામે રમતો હતો. ત્યારે તેની માતા તેને ન્હાવા માટે લેવા ગઇ ત્યારે તે ત્યાં નહીં જણાતાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પત્તો નહીં લાગતાં તેના પિતાએ તેમના પુત્રનું અપહરણ થયાની વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન, રવિવારે સવારે મહંમદ અખલાકની લાશ પડોશીના ઘર નજીક દીવાલ પાછળ અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. જે અંગે જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને બાળકના લોહીના નમૂના સ્થળ પરથી એફએસએલ ટીમે મેળવ્યા હતા. ડીવાયએસપી, મહેસાણા એલસીબી, એસઓજી અને વડનગર પોલીસની પાંચ ટીમો બનાવી અલગ અલગ લાઇન પર તપાસમાં મોડી સાંજ સુધી કાર્યરત રહી હતી. દરમિયાન, લાશને પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ લઇ જવાઇ હતી.
બાળકનું અપહરણ થયા પછી ક્યાં ક્યાં તેને ફેરવ્યો હોઇ શકે તેને લઇને પોલીસે હાઇવે પરની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. હત્યાની આશંકામાં કુટુંબના કેટલાક લોકોની પૂછપરછ પણ કરાઇ હતી. કોઇ જાણભેદુ હત્યા પાછળ હોઇ શકે તેવી આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યકત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.