કિસાનોની 'ક્રાંતિ યાત્રા': વીફરેલા કિસાનોએ બેરિકેડ પર ટ્રેક્ટર ચઢાવ્યાં, પોલીસનો લાઠીચાર્જ

નવી દિલ્હી: હરિદ્વારથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સુધી કૂચ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના હજારો કાર્યકર્તાઓ આજે સવારે દિલ્હી બોર્ડર સુધી પહોંચી ગયા છે. કિસાનોની આ ક્રાંતિ યાત્રા રોકવા માટે વહેલી સવારથી જ ઉત્તર પ્રદેશથી દિલ્હીમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં દિલ્હી અને યુપી પોલીસદળ ઉપરાંત પેરામિલિટરી ફોર્સ પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની સાથે સાથે યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં પણ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. યમુના નદી પારના મોટા ભાગના વિસ્તારોમાં કલમ-૧૪૪ લાગુ પાડી દેવામાં આવી છે.

કિસાનોને દિલ્હીની બોર્ડર પર અટકાવાતાં તેમણે રોષે ભરાઇને તેમના માટે ઊભી કરાયેલી બેરિકેડ પર ટ્રેકટર ચડાવી દીધાં હતાં અને તેના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી. કિસાનોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે તેમના પાણીનો મારો ચલાવ્યો હતો.પોલીસ અને કિસાનો વચ્ચે હિંસક અથડામણો થતાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. .

દરમિયાન અહેવાલો અનુસાર કિસાન સંગઠનોના પ્રતિનિધિઓ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે અને તેમની સાથે પોતાની દેવાં માફી સહિતની માગણીઓ પર વાતચીત કરશે. .

દરમિયાન એવા પણ અહેવાલો છે કે લખનૌથી ઉત્તર પ્રદેશ સરકારના બે વરિષ્ઠ આઇએએસ અધિકારીઓને કિસાન સંગઠનો સાથે વાતચીત કરવા માટે ખાસ હેલિકોપ્ટર દ્વારા ગાઝિયાબાદ લાવવામાં આવ્યા છે. આ અધિકારીઓ સંભવતઃ રાજનાથસિંહ સાથેની બેઠકમાં પણ વાતચીતમાં ભાગ લેશે. .

ગાજીપુર બોર્ડર, મહારાજપુર બોર્ડર અને અપ્સરા બોર્ડર પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો કોઈ કિસાન દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ કરશે તો તેમને રોકવામાં આવશે. બોર્ડર પર વોટર કેનન, ટિયરગેસ વગેરે સાથે પોલીસ સાબદી છે. .

આ અગાઉ હરિદ્વારથી દિલ્હીના કિસાન ઘાટ સુધી આવી રહેલી કિસાન ક્રાંતિ યાત્રા સોમવારે બપોરે ટ્રાન્સ હિન્ડન પહોંચી ત્યારે રસ્તા પર કિસાનોની ભીડ જોઈને તંત્ર પણ હેબતાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં ટ્રેક્ટર, ગાડીઓ ઉપરાંત પગપાળા ખેડુતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. .

સોમવારે સાંજે ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસીપી પંકજસિંહે સમગ્ર પૂર્વ દિલ્હીમાં કલમ-૧૪૪ લાગુ પાડવાના આદેશ જારી કરી દીધા હતા. ખાસ વાત એ છે કે આ આદેશ આગામી ૮ ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકોને એકઠા થવા, ટ્રાફિકને ડિસ્ટર્બ કરવા, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા, ભાષણબાજી કરવા, હથિયારોનો ઉપયોગ કરવા, લાકડી કે ચાકુ જેવી કોઈ વસ્તુ સાથે રાખવા, મશાલ સળગાવવા જેવી તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપી દેવાયા છે. નોર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટમાં પણ ચાર દિવસ સુધી કલમ-૧૪૪ લગાવી દેવામાં આવી છે. .

કિસાન ક્રાંતિ યાત્રાના નેજા હેઠળ હજારો ખેડૂતો સંપૂર્ણ દેવા માફી કરવા ઉપરાંત સ્વામીનાથન આયોગના રિપોર્ટને લાગુ કરવા, વીજળીના વધારવામાં આવેલા દર પાછા ખેંચવા અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ પાછો ખેંચવા જેવી વિવિધ માગણીઓ સાથે રસ્તાઓ પર ઉતર્યા છે. .

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.