શિક્ષકોના ગ્રેડ પે 4200થી ઘટાડીને 2800 કરી દેવાતા રોષ, લડતના એંધાણ

ગાંધીનગર ખાતે રવિવારે શિક્ષકોના ગ્રેડ પે મામલે થયેલ અન્યાય બાબતે સંકલનની એક બેઠક મળી હતી.જેમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે એચટાટની કેડર ઉભી થવાના કારણે 2010 પછી પ્રાથમિક શાળામાં ભરતી થયેલા અંદાજે 56000 શિક્ષકોને નવ વર્ષે મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણનો ગ્રેડ પે 4200 થી ઘટાડીને 2800 કરી દેવાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. ગ્રેડ પેના મામલે શિક્ષકો આરપારની લડાઇ લડી લેવાનો એકસૂર ઉઠ્યો છે. ગ્રેડ પેના મામલે અન્યાયનો દિન 15માં ઉકેલ નહી મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
 
શિક્ષણ વિભાગે વર્ષ 2010 પછી તબક્કાવાર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 56000 વિદ્યાસહાયકોની ભરતી કરી છે. શિક્ષકોની નોકરીના નવ, વીસ અને 31 વર્ષે ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળે છે. આથી વર્ષ 2010 પછી ભરતી થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ નવ વર્ષનો ઉચ્ચત્તર પગારધોરણનો ગ્રેડ પે 4200 મળવાપાત્ર છે. પરંતું રાજ્યના શિક્ષણ વિભાગે મનસ્વી રીતે ગ્રેડ પે 2800 કરી દીધો હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. ગ્રેડ પે 4200 થી ઘટાડીને 2800 કરી દેવાતા વર્ષ 2010 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને દર મહિને પગારમાં રૂપિયા 7 થી 8 હજારનું આર્થિક નુકશાન થઇ રહ્યું હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. શિક્ષકોને નોકરી દરમિયાન પ્રમોશન જેવો કોઇ જ લાભ મળતો નથી. એક માત્ર ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળે છે. જોકે માત્ર પ્રાથમિક શિક્ષકોના જ ગ્રેડ પેમાં કાપ કેમ મુકવામાં આવ્યો અન્ય વિભાગના કર્મચારી કે અધિકારીઓના ગ્રેડ પેમાં કાપ કેમ મુકવામાં નહી આવ્યો તેવી ચર્ચા શિક્ષકોમાં ઉઠી રહી છે.શિક્ષકોએ જણાવ્યું હતું કે ૨૦૧૦ પછી તમામ શિક્ષકો બીએડ અને એમએડની ડીગ્રી ધરાવે છે તેમનો હક છીનવી લેવો યોગ્ય નથી.અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ૪૨૦૦ મુદ્દે ખોટું અર્થઘટન થયું છે પરંતુ શિક્ષકોને આર્થિક નુકશાન નહિ થાય તેમ જણાવેલ હોવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
 
ગ્રેડ પેના મામલે થઇ રહેલા અન્યાય અંગે તાલુકા, જિલ્લા અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને અનેક વખત લેખિત રજુઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવ્યું નહી હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. સરકાર દ્વારા શિક્ષકોને મળવાપાત્ર 4200 ગ્રેડ પે આપવાનો આદેશ દિન-15માં નહી કરવામાં આવે તો રાજ્ય કક્ષાએ માસ સીએલ,ઉપવાસ અને ધારણા જેવા કાર્યક્રમ યોજી ઉગ્ર લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.