લોકશાહીના મહાપર્વનો પ્રારંભ ઃ પ્રથમ ચરણમાં ઉંચુ મતદાન

નવી દિલ્હી ૧૭મી લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા આજે વિધિવત રીતે શરૂ થઇ હતી. ૨૦ રાજ્યોને આવરી લેતી ૯૧ લોકસભા સીટ પર આજે શાંતિપૂર્ણ રીતે પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ ૧૨૭૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ઉમેદવારોમાં ૮૯ મહિલાઓ પણ સામેલ રહી છે. પ્રથમ તબક્કામાં ઉંચા મતદાન માટે તમામ પ્રયાસ અગાઉ કરવામાં આવ્યા હોવા છતાં નોંધપાત્રરીતે વધારો થયો ન હતો. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઈવીએમમાં નુકસાનના કેટલાક બનાવો બન્યા છે જે પૈકી આંધ્રમાં ૬, અરુણાચલમાં પાંચ, બિહારમાં એક, મણિપુરમાં એક અને બંગાળમાં એક બનાવ બન્યો છે. બસ્તરના દાંતેવાડા જિલ્લામાં મતદારોએ કોઇપણ દહેશત વગર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને અહીં ૭૭ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. સિક્કિમમાં એક સીટ માટે ૬૯, મિરોઝરમમાં એક સીટ માટે ૬૦, નાગાલેન્ડમાં એક સીટ માટે ૭૮, મણિપુરમાં એક સીટ માટે ૭૮.૨, ત્રિપુરામાં એક સીટ માટે ૮૧.૮, આસામમાં પાંચ સીટ માટે ૬૮ અને બંગાળમાં બે સીટ માટે ૮૧ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં ૫૪.૪૯, ઉત્તરાખંડમાં ૫૭.૫૮ ટકાથી વધુ, તેલંગાણામાં ૬૦ ટકાથી વધુ, આંધ્રમાં ૫૫ ટકાથી વધુ, છત્તીસગઢમાં ૫૬ ટકાથી વધુ, આંદામાન અને નિકોબારમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશમાં પણ આઠ બેઠકો ઉપર ઉંચુ મતદાન થયું હતું. મતદાન બાદ તમામ દિગ્ગજાના ભાવિ સીલ થઇ ગયા હતા.  અગાઉ આજે સવારે અભૂતપૂર્વ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. તમામ મતદાન મથકો પર પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થયા બાદ તમામ મતદાનવાળા રાજ્યોમાં શરૂઆતમાં કેટલાક મથકો પર મતદારોની લાંબી લાઇન લાગી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર શરૂઆતમાં ઓછી ભીડ જાવા મળી હતી.  આજે પ્રથમ તબક્કામાં મેદાનમાં રહેલા ૧૨૭૯ ઉમેદવારો પૈકી તમામના ભાવિનો ફેંસલો કરવા માટે ૧૪.૨૦ કરોડ કુલ મતદારો પૈકી મોટા ભાગના મતદારો બહાર નિકળ્યા હતા. પ્રથમ તબક્કામાં કુલ ૧.૭૦ લાખ પોલિંગ બુથ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં મતદારોએ ઉત્સાહપૂર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  પ્રથમ તબક્કાના મતદાનને લઇને તમામ મતદાનવાળા રાજ્યોમાં તમામ તૈયારી પહેલા જ કરી લેવામાં આવી હતી. મતદાન બાદ મહારાષ્ટ્રમાં સાત સીટો પર ૧૨૨ ઉમેદવારો ભાગ્ય ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં પાંચ બેઠકો પર ૫૨ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. ઉત્તરાખંડમાં પાંચ બેઠકો પર બાવન ઉમેદવારોના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પ્રથમ તબક્કામાં આજે   જે રાજ્યોમાં મતદાન થયું હતું તે પૈકી આંધ્રપ્રદેશમાં ૨૫, અરુણાચલ-૨, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપ-૪ સીટ પર મતદાન થયું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં આજે મતદાન થયું હતું.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.