ડીસામાં જાહેર રોડ ઉપર બિન અધિકૃત બાંધકામ મામલે રહીશો દ્વારા રજુઆત

ડીસા : ડીસાની કુમારપાળ સોસાયટી પાછળ આવેલ જાહેર રોડ ઉપર બથામણિયો કબ્જો કરી બેઠેલો શખ્સ પાકું બાંધકામ કરવા લાગતા અકળાયેલા રહીશો પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને માથાભારે શખ્સ દબાણોમાં પાકું બાંધકામ કરી વેચીને રોકડી કરતો હોવાનો આક્ષેપ કરી સત્વરે આ દબાણો હટાવી ડામરનો પાકો રોડ બનાવવા ચિફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી.
શહેરની કુમારપાળ સોસાયટી પાછળ આવેલ સર્વે ન.૧૦૬ માં ૧૦૦ ફૂટનો જાહેર રસ્તો આવેલ છે જે રસ્તાનો કુમારપાળ, નવજીવન, સ્નેહકુંજ, સમર્પણ, પીપાજીનગર, ગુલબાણી નગર, પુણ્યનગરી જેવી સોસાયટીના રહીશો આવન જાવન માટે ઉપયોગ કરે છે પરંતુ રહીશોને જણાવ્યાં મુજબ એક શખ્સ જાહેર રોડ ઉપર દબાણ કરી પ્રથમ નાની ઓરડી બનાવે છે અને પછી પાકું બાંધકામ કરી વેચી નાખે છે અગાઉ તેણે ૨૦૦૦ ફૂટ મોટું ગોડાઉન બનાવ્યું હતું. જ્યાં હાલ ગેરકાયદેસર રીતે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી રમકડાં અને મૂર્તિઓ બને છે. જેનાથી પ્રદુષણ થાય છે જે બાબતે રહીશોએ નગરપાલિકામાં રજુઆત કરી હતી તેમ છતાં પાલિકા દ્વારા તેને પાણીનું કનેકશન અને વીજ કંપની દ્વારા વીજ કનેક્શન પણ આપી દેવામાં આવ્યું હતું. તેથી મોકળું મેદાન મળેલું જોઈ તે હાલમાં કુમારપાળ સોસાયટીના પાછળના ગેટ આગળ આવું જ બાંધકામ કરવા લાગ્યો છે. તેથી અકળાયેલા રહીશોએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી જણાવ્યુ હતું કે, જાહેર રોડ ઉપર દબાણો એટલા વધી ગયા છે કે લોકોને ગટરની બાજુમાં થઈને ચાલવા મજબૂર થવું પડે છે. તેથી આ દબાણો હટાવી ડામરનો પાકો રોડ બનાવવાની માંગ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.