રાઇડ દુર્ઘટનામાં બેદરકારી બદલ ૬ વિરૂધ્ધ મોતનો ગુનો દાખલ

અમદાવાદ : કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવા મામલે મણિનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત છ લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.  પીડિતોના પરિવારજનો અને વિપક્ષના હોબાળા બાદ આખરે તંત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.  જેમની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તે આરોપીઓમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રભાઇ પટેલના ભાઇ ઘનશ્યામ કાનજી પટેલ(સંચાલક), તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ (સંચાલક), તુષાર મધુકાત ચોકસી (મેનેજર), યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ (રાઈડ ઓપરેટર), કિશન મહંતી (રાઈડ ઓપરેટર) અને મનીષ સતીષ વાઘેલા (હેલ્પર)નો સમાવેશ થાય છે. બનાવ બાદ સીધી બેદરકારી સામે આવતા પોલીસે ગઈકાલે સાંજે જ રાઇડના સંચાલક ઘનશ્યામ પટેલ અને રાઈડ ઓપરેટરની અટકાયત કરી હતી. રાઇડ દુર્ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, ગત તા.૬ જુલાઈના રોજ મેઇન્ટેનસનો રિપોર્ટ આપવા છતાં રાઈડની યોગ્ય જાળવણી નહી કરી, ચકાસણી કર્યા વગર નબળી ગુણવત્તાવાળી રાઈડમાં લોકોને બેસાડતા બનાવ બન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ઘનશ્યામ પટેલ અને તેનો પુત્ર ભાવેશ સંચાલક છે. તુષાર ચોકસી મેનેજર તરીકે ફરજ બજાવે છે. યસ મહેન્દ્ર પટેલ અને કિશન મહંતી રાઈડ ઓપરેટર છે. જ્યારે મનીષ હેલ્પર તરીકે નોકરી કરે છે. એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે ૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાપામાં જાહેરાત આપી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. કાંકરિયા બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ ટુ ચલાવવા કોર્પોરેશને પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૪થી આ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટની તમામ રાઈડ્‌સનો ઇન્સ્પેક્શન રિપોર્ટ ૧થી ૧૦ તારીખ સુધીમાં એજન્સીઓએ ડાયરેક્ટર ઓફ ઝુ ડો.આર.કે સાહુને સોંપવાનો હોય છે. તા.૬ જુલાઈના રોજ આ પાર્કનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં નટ બોલ્ટ સહિત વસ્તુઓ બદલવા જણાવ્યું હતું છતાં તેની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, તેને લઇને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જા કે, આ ડિસ્કવરી રાઇડ તૂટી પડી તેમાં નટબોલ્ટનો કોઇ ફોલ્ટ નહી પરંતુ જે પાઇપ હતી, તે તૂટી ગઇ તેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.