દિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી જનતા પરેશાન

નવી દિલ્હીઃ રાજધાનીનાં અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ જતાં લોકોને ઓફિસે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. રાજધાનીનાં મુખ્ય માર્ગો પર જોરદાર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.

દક્ષિણી દિલ્હીનાં ધોલા કુંઆ, આરકેપુરમ્, તીનમૂર્તિ ભવન જેવા વિસ્તારોનાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુસીબતમાં મુકાયા હતા. અનેક લોકો તેમના બાળકોને શાળાએ મૂકવા જઈ શક્યા ન હતા અને સવારે ઓફિસ જવામાં પણ લોકોને સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ પણ પાણી ભરાતાં એરપોર્ટ સુધી જનારા લોકો પણ ફસાયા હતા.પશ્ચિમી દિલ્હીના ઉત્તમનગર, જનકપુરી વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં છે. ઘણાં લોકોનાં વાહનો પાણીમાં ફસાઈ ગયાં હતાં.

આમ તો ગત મોડી રાતથી જ દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. ગુરુગ્રામ, દિલ્હી અને નોઈડાના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દિલ્હીના પાલમ મોડ, ધોલા કુંઆમાં મોટાભાગના રસ્તાઓ પાણી ભરાતા બંધ થઈ ગયા છે.

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, દિલ્હી-એનસીઆર ઉપરાંત ગુરુગ્રામ, માનસેર, ભિવાની, ઝજ્જર, રેવાડી, મેરઠ, બરોટ, બાગપત, સોનીપતમાં ૨૪ કલાકમાં તોફાની પવન-આંધી સાથે મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હી સિવાય મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાયપુરમાં અતિભારે વરસાદની ચેતવણી જારી કર્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા આજે તમામ સરકારી અને બિનસરકારી શાળાઓમાં રજાનું એલાન કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આ અગાઉ ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, સબ-હિમાલય વેસ્ટ બંગાલ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, તેલંગાણા અને કર્ણાટકના તટિય વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હતી.

સાઈબર સિટી ગુરુગ્રામ પણ ભારે વરસાદથી બેહાલ બન્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણી ભરાતા બંધ કરવા પડ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ પૂર્વોત્તરનાં રાજ્યો સહિત દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. માછીમારોને સમુદ્દરમાં નહીં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ઉત્તરાખંડનાં ભીમતાલમાં લેન્ડ-સ્લાઈડના કારણે સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. રાજ્યના નૈનિતાલ જિલ્લામાં કોશી નદીમાં પૂર આવતાં આસપાસનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે અને અનેક લોકો ત્યાં ફસાયાં છે. NDRFની ટીમો સતત આ વિસ્તારમાં લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.