લોકસભા ચૂંટણી : બનાસકાંઠામાં ટિકિટ માટે બખેડો, પાટણમાં કોઈ લેવાલ નથી

ટિકિટ માટે બન્ને પક્ષો પર દબાણ કર્યા બાદ ઠાકોર સમાજના જ બન્ને અગ્રણીઓએ પાટણ બેઠક પર લડવાનો નન્નો ભણી દીધો 
 
લોકસભાની ચૂંટણીએ સર્જેલા ગરમાવા વચ્ચે ભાજપના ઉમેદવારોની જાહેરાત ટળી જતાં ઉત્સુકતા યથાવત રહી છે.બીજી બાજુ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારોની પસંદગી આ વખતે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના મોવડીઓને રીતસર ગોથાં ખવડાવી રહી છે. શુક્રવારે મોડી સાંજે દિલ્હીમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠક બાદ  બનાસકાંઠા સહિત ગુજરાતની અન્ય બાકી બેઠકોના ભાજપના ઉમેદવાર જાહેર થવાની શક્યતાઓ સેવાતી હતી.જોકે આ બેઠક બાદ પણ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત ટાળી દેવાતાં ભાજપ હજુય ગૂંચવણમાં હોવાની પ્રતીતિ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો હોઈ હવે દાવેદારોના જીવ પણ પડીકે બંધાયા છે. ખાસ કરીને ગાંધીનગર બેઠક પરથી પક્ષના ભીષ્મ પિતામહ મનાતા લાલકૃષ્ણ અડવાણીને પણ દુર કરી અમિત શાહને મેદાનમાં ઉતારી દેવાયા છે. આ માસ્ટર સ્ટ્રોક ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ તરફી માહોલ સર્જશે એવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે.બીજી બાજુ આ પગલાંથી રાજ્યના અન્ય સીટીંગ સાંસદોની ઊંઘ પણ હરામ થઈ ગઇ છે. જો અડવાણી જેવા ધુરંધર ઉમેદવારને પણ ખસેડી લેવાય તો અન્ય દાવેદારોનું તો કોણ વિચારે એવું માની સીટીંગ સાંસદો ચોંકી ઉઠ્‌યા છે. બીજી બાજુ, આ વર્ષે બનાસકાંઠામાં લોકસભાની ટિકિટ માટે બન્ને પક્ષમાં ઘમસાણ મચ્યું છે ત્યારે પાડોશી પાટણમાં ટિકિટ માટે લેવાલ જ શોધ્યા ય જડતા નથી. આવી સ્થિતિ કદાચ પ્રથમવાર અથવા તો લાંબા સમય બાદ સર્જાઈ છે.પાટણમાં બન્ને પણ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ હાલ હરિભાઈ ચૌધરી કરી રહ્યા છે. જ્યારે પાટણ બેઠક પરથી લીલાધર વાઘેલા પ્રથમ વાર પાર્લામેન્ટમાં પહોંચ્યા હતા. જોકે સત્તાનો મોહ છોડી શકે એવા રાજકારણીઓ ઝુઝ જ હોય છે. ત્યારે બનાસકાંઠા અને પાટણના બન્ને સાંસદો હાલ ટિકિટ માટે એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે અને એ પણ બનાસકાંઠા બેઠક માટે. લીલાધર વાઘેલાએ પાટણ બેઠક પરથી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દઈ બનાસકાંઠા બેઠક માટે જ પગ ભીંડાવ્યા છે જેથી હાલ તો પાટણ બેઠકના ઉમેદવાર શોધવા માટેની મથામણ ચાલી રહી છે. લીલાધર વાઘેલાના વિકલ્પ રૂપે પાટણ બેઠક માટે રાજ્ય સરકારના મંત્રી દિલીપભાઈ ઠાકોર અથવા જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત પ્રબળ દાવેદાર મનાય છે. જોકે બનાસકાંઠા અને પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને ખુશ રાખે એવી કોઈ દવા ના મળે તો ઠાકોર સમાજ પર પક્કડ જાળવી રાખવા માટે પક્ષ પાટણ બેઠક પર ફરી મેદાનમાં ઉતરવા લીલાધર વાઘેલાને ફરજ પણ પાડી શકે.
એ જ રીતે કોંગ્રેસમાં પણ બનાસકાંઠા બેઠકની ટિકિટ માટે દિલ્હીમાં દાવપેચ ખેલાઇ રહયા છે જ્યારે પાટણમાં કોંગ્રેસની ટિકિટ માટે પણ કોઈ લેવાલ નથી. મજબૂત મનાતા જગદીશભાઇ ઠાકોર આ બેઠક પર કરિશ્મા કરી બતાવવા સક્ષમ મનાય છે. જોકે પોતાના વધતા કદને અંકુશમાં રાખવા રાજ્યના અન્ય કોંગ્રેસી અગ્રણીઓ જ હરાવવા માટે મેદાનમાં ઉતરે એવી શંકાથી પ્રેરાઈ જગદીશભાઈ ઠાકોરે આ વખતે પાટણથી લડવાનો ઇનકાર કરી દીધો હોવાનું કહેવાઇ રહ્યું છે.જોકે ખુદ જગદીશભાઇ ઠાકોરે આવો કોઈ આક્ષેપ કર્યો નથી પરંતુ હજુ ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસે જગદીશ ઠાકોરના વિકલ્પે કોને મેદાનમાં ઉતારવા એ મુદ્દે મંથન કરવા ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠકોનો દૌર પણ શરૂ કરી દીધો છે.અને આવી સક્રિયતા પણ જગદીશ ઠાકોરને પ્રદેશ નેતાગીરી સામે બારમો ચંદ્રમા હોવાની પ્રતીતિ કરાવી જાય છે.
માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસના ઉમેદવારોને પણ આ વખતે પોતાના લોકોએ રચેલા ચક્રવ્યૂહ ભેદવા સાથે મતદારોના મન જીતવાની બમણી મહેનત કરવી જ પડે છે એવી સ્થિતિ આવા ઘટનાક્રમો પરથી સાબિત થતી જાય છે.ત્યારે મૂળ કોંગ્રેસી એવા બળવંતસિંહ રાજપુત તેમજ દિલીપભાઇ ઠાકોર માટે પણ પાટણ બેઠકનો જંગ એટલો આશાન જણાતો નથી. જોકે જગદીશ ઠાકોર લડવાનો ઇનકાર કરી રહ્યા હોઇ ભાજપ પાટણ બેઠક પર નબળા ઉમેદવાર મૂકી કોઈ જોખમ લે તેવી શક્યતાઓ પણ નહિવત જ છે.આવી. સ્થિતિમાં કોંગ્રેસ પણ પસંદગીનો કળશ કોના પર ઢોળવો એ મામલે મૂંઝવણ અનુભવી રહી છે.
આ વખતે ઠાકોર સમાજે એક સુરે બન્ને પક્ષો પાસે ટિકિટ માટે પગ ભીંડાવ્યા બાદ મજબુત મનાતા ઠાકોર સમાજના અગ્રણીઓએ જ પાટણ બેઠક પર લડવાની અનિચ્છા વ્યક્ત કરી દેતા સામાજિક સમીકરણ ફિટ બેસાડવું બન્ને પક્ષ માટે અગ્નિપરીક્ષા જેવુ બની રહ્યું છે.ત્યારે આ કોકડું ઉકેલવામાં કયો ચાણક્ય પાવરધો પુરવાર થાય છે અને કયો ચાણક્ય માર ખાય છે એ જોવાની ઉત્સુકતા પણ વધી ગઈ છે.બીજી બાજુ, સામાજિક દબાણ બાદ દાવેદારોનો પલાયનવાદ અને કોઈ ખાસ બેઠક માટેનો હઠાગ્રહ પણ ચર્ચાની એરણે ચઢ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.