મેઘરાજાને રીઝવવા બનાસ ડેરી દ્વારા પર્જન્ય યજ્ઞ યોજાયો : વૃક્ષારોપણ મહાઅભિયાનનો શુભારંભ

ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો બનાસકાંઠા જિલ્લો અપૂરતા વરસાદને લઈને ચિંતિત છે ત્યારે મેઘરાજાને મનાવવા બનાસ ડેરીના શિવ મંદિર પ્રાંગણમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા આજરોજ પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાની સુખાકારી માટે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી સાથે યોજવામાં આવેલા આ યજ્ઞમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ડેરીના ડાયરેક્ટરઓએ પણ આહુતિ આપી હતી. સાથે-સાથે શિવ મંદિર ખાતે રુદ્રાક્ષનો છોડ વાવીને જિલ્લામાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો ચેરમેનએ આરંભ કરાવ્યો હતો.   
 
વધુમાં જિલ્લામાં હરિયાણી ક્રાંતિ થાય, વધુ વૃક્ષો દ્વારા પર્યાવરણનું જતન થાય અને આવનારા ભવિષ્યમાં આ ધરતી પર વધુ વરસાદ થાય તેવા શુભ આશયથી બનાસ ડેરી, ગુજરાત કૉ-ઓપ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે, બનાસ ડેરીના સભાસદો દ્વારા એક જ દિવસે કુલ ૨૧ લાખ જેટલા વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં બનાસ ડેરી સાથે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજો, પર્યાવરણ પ્રેમીઓને પણ સાંકળીને ૨૫ જુલાઈ થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન સામુહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવવાનાં અભિયાનનાં ભાગરૂપે બનાસ ડેરીનાં અન્નપુર્ણા ભવન ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ અભિયાન અંગેની બેઠકનું આયોજન થયેલ. આ બેઠકમાં સેવાભાવી સંસ્થાઓનાં પ્રમુખો, સહકારી આગેવાનો તેમજ સમાજનાં અગ્રણી પર્યાવણ પ્રેમી હાજર રહીને પ્રેઝન્ટેશન તેમજ મૌખિક ચર્ચા વિચારણા થકી આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની ચર્ચા વિચારણા તેમજ વિવિધ સૂચનો કર્યા હતા.
   
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વરસાદ અને વૃક્ષોને સીધો સબંધ હોવાની જણાવીને ઉમેર્યુ હતું કે આ અભિયાન એક શરૂઆત માત્ર છે. આવનારા દિવસોમાં ૨૧ લાખ વૃક્ષો વાવવાની-ઉછેરવાનું આ અભિયાન થકી ઠેરવ્યું છે તે એક વિશાળ લક્ષને સાધવા માટેનો શુભારંભ છે, આવનારા ૧૦ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષનો ઉછેર બનાસકાંઠાની ધરતી પર થાય અને તે થકી આ જીલ્લો હરિયાળો બને તેવો આશાવાદ અહીં શંકરભાઈએ તેઓનાં પ્રાસંગિક પ્રવચન થકી વ્યક્ત કર્યો હતો. 
 

 

આ પ્રસંગે ડી.એફ.ઓ. ડૉ. બિન્દુબેને વનવિભાગની પ્રવૃત્તિ, પ્રસંગને અનુરૂપ માહિતી તેમજ સ્થાનિક વન વિભાગ તંત્ર દ્વારા આ હકારાત્મક અભિયાનમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. ઇન્ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર કામરાજભાઈ ચૌધરીએ મહાનુભાવોને અભિયાનનાં હાર્દ અને સૂચિત આયોજન વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ડેરી હસબન્ડરી વિભાગનાં આસીસ્ટન જનરલ મેનેજરશ્રી હરિભાઈ ચૌધારીએ કાર્યક્રમનાં અંતે આભારવિધી કરી હતી. આ પ્રસંગે બનાસ ડેરીના નિયામક મંડળનાં સભ્યોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.    
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.