મુખ્યમંત્રીના આગમન સંદર્ભે ડીસાના રોડ માર્ગો એક દિવસ માટે ખુલ્લા થઈ જતાં અચરજ...

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગતરોજ ડીસા ખાતે પણ એક કાર્યક્રમમાં હાજરી આપનાર હતા.જોકે મુખ્યમંત્રીનો ડીસાનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતા નગરજનોએ આંચકો અનુભવ્યો છે પરંતુ મુખ્યમંત્રીના આગમન સંદર્ભે રાતોરાત ડીસાની તસ્વીરમાં ચમત્કારીક બદલાવ આવતા નગરજનોએ અચરજ સાથે હાશકારો અનુભવ્યો છે અને આ બદલવાથી ખુશ નગરજનો મુખ્યમંત્રી દર મહિને ડીસામાં એક ચક્કર મારે તેવો ખુલ્લો મત પણ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા.
 
વેપારી મથક ડીસા શહેરના જાહેર માર્ગો પર બિનવારસી ગાયોનો જમેલો, આડેધડ ઉભા કરાતા લારી ગલ્લા તેમજ ખાનગી વાહનોનો ખડકલો નગરની સૂરત બગાડે છે અને આવી રોજિંદી રામાયણ રાહદારીઓ તેમજ વાહન ચાલકો જ નહીં, વેપારીઓ માટે પણ માથાનો દુઃખાવો બની રહી છે પરંતુ જવાબદાર સત્તાકેન્દ્રોની નઘરોળતાના પાપે આવા દ્રશ્યો હટવાનું નામ લેતા ના હોઈ વેપારીઓ અને રાહદારીઓ ગાયોના ત્રાસથી ટેવાઈ ગયા છે. જોકે આવા રોજિંદા દ્રશ્યો વચ્ચે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડીસા આવી રહ્યા હોવાના અહેવાલોના પગલે પોતાની આબરૂની ધૂળધાણી થઈ જવાની વકીના પગલે નગરના જવાબદાર અમલદારોને એકાએક જવાબદારીનું ભાન થયું હોય તેમ તંત્ર દોડતું થઈ ગયું હતું અને મુખ્યમંત્રીના આગમનના પગલે વહીવટી તંત્રએ જુના બસ સ્ટેન્ડ રોડ પરથી લારી ગલ્લા હટાવી દીધા હતા.વળી, શાકમાર્કેટના પ્રવેશ દ્વાર આગળથી ગાયો પર ચમત્કારિક રીતે ગાયબ થઈ જતા રોજ ટ્રાફિકજામના લીધે ભરચક રહેતા આ ગીચ માર્ગો પણ આજે સવારથી સાવ ખુલ્લા નજરે પડતાં વેપારીઓ તેમજ રાહદારીઓએ સુખદ હાશકારો અનુભવ્યો હતો. ગાયોના ઝુંડ વચ્ચેથી જોખમી અવરજવર કરતા શાળાના બાળકો અને વયસ્ક નાગરિકોએ  પણ આવા દ્રશ્યો જોઈ અચરજ અનુભવ્યું  હતું. સ્થાનિક તંત્રએ મુખ્યમંત્રીને ખુશ કરવા એક દિવસ માટે સક્રિયતા દાખવી ખૂબ દોડધામ કર્યા બાદ સંજાગોવસાત મુખ્યમંત્રીની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતા તંત્રની આ મહેનત પર પાણી ફરી વળ્યું છે પરંતુ ભલે એક દિવસ માટે પણ ગાયોના ત્રાસ તેમજ લારી ગલ્લા અને વાહનોના ખડકલાના ત્રાસથી અકળાયેલા નગરજનોએ એક દિવસ માટે નગરમાં સ્વર્ગ જેવી શાંતિ જોઈ બેશક હાશકારો અનુભવ્યો હતો.જોકે તંત્રની સક્રિયતા અલ્પજીવી હોઈ ફરી આવો ત્રાસ ભોગવવા મજબુર બનવું પડે તેમ હોઈ 'મુખ્યમંત્રી દર મહિને ડીસામાં એક ચક્કર મારે' એવું ખુલ્લું મંતવ્ય પણ નગરજનો વ્યક્ત કરતા સંભળાયા હતા.        ડીસામાં મુખ્યમંત્રીના આગમન સંદર્ભે પ્રાથમિક સવલતોના પાકા પ્રબંધ સાથે ચોખ્ખા ચણાક અને ટ્રાફિકમુક્ત રોડ નીહાળી નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ આજે શુક્રવારથી ફરી આ દ્રશ્યોનો સામનો કરવાની નોબત આવવાના વિચાર માત્રથી જ નગરજનોનો ખુલ્લા અને ચોખ્ખા ચણાક રોડનો આનંદ પણ તુરંત ઓસરી ગયો હતો. 
 
ડીસાના શાંતિધામમાં આકાર પામનાર પ્રાર્થના હોલ, બગીચો અને વ્યાયામ શાળાના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમન સંદર્ભે સ્થાનિક વહીવટી તંત્રએ મુખ્યમંત્રીને ખુશ કરવા આગોતરી તૈયારીઓ કરી મુખ્યમંત્રીના રૂટ ઉપરના રોડને સજીધજીને તૈયાર કર્યા હતા.આ માર્ગો પરથી દબાણો સાથે બમ્પ પણ હટાવી દેવાયા હતા. સફાઈ પણ ઉડીને આંખે વળગતી હતી. રોડ ઉપર રખડતા ઢોરો ક્યાંય નજરે પડ્યા નહોતા. સફાઈની સાથે દવાનો પણ છંટકાવ થતા ગંદકી પણ ગાયબ થઈ જતા આખા રૂટનો નક્શો બદલાઈ ગયો હતો. ટ્રાફીક મુક્ત અને ખુલ્લા રોડ નીહાળી પ્રજાએ પણ અચરજ અનુભવ્યું હતું. સામાન્ય રીતે પ્રાથમીક સવલતો માટે ટળવળતી પ્રજા અચાનક આવા પરિવર્તનને જોઈ અચંબામાં મુકાઈ હતી.ગંદકી અને ટ્રાફિકમાં રાહત થતા પ્રજાએ મુખ્યમંત્રીનો મનોમન આભાર માન્યો હતો. આ રીતે શહેરમાં આવ્યા વગર પણ મુખ્યમંત્રીએ નગરજનોના દિલ જીતી લીધા હતા. 
 
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આગમન ટાંણે સક્રીય થયેલું તંત્ર  દરરોજ આવી સક્રિયતા દાખવે તો ડીસા શહેર સાચા અર્થમાં ‘નંબર વન’ બને તેમાં બે મત નથી.પરંતુ સરકારી તંત્રની આદતથી વાકેફ નગરજનો શહેરમાં ભલે કોઈ મોટો નેતા ન આવે પણ માત્ર પોતાના  આગમનની જાણ કરી તંત્રને સક્રિય જ રાખે તેવો વેધક કટાક્ષ પણ કર્યો હતો.પાલિકાના વેરા  ભરતી પ્રજા શહેરમાં સ્વચ્છતા અને ખુલ્લા રસ્તાને અગ્રતા આપવાની દીશામાં તંત્ર રોજીંદી સક્રીયતા અને સજાગતા દાખવે તેવું પણ ઈચ્છી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.