ઈસરોના ચેરમેન ડો. સિવને મોટો ખુલાસો કર્યો : અંતરિક્ષમાં 2030 સુધી ભારતનું પોતાનુ સ્પેસ સ્ટેશન હશે

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લોન્ચિંગની તારીખ જાહેર કર્યા પછી ઇસરોએ વધુ એક મોટો ખુલાસો કર્યો. ઇસરો ચીફ ડૉ. કે. સિવને ગુરુવારે જણાવ્યું કે ભારત હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા જઇ રહ્યું છે. જે 2030 સુધી તૈયાર થઇ જશે. તે બહુ મોટું નહીં હોય પરંતુ દેશના વિજ્ઞાની 20-20 દિવસ સુધી રહેશે. તેઓ આવતાં-જતાં રહેશે. પ્રથમ ગગનયાન મિશન પછી ઇસરો સ્પેસ સ્ટેશનનો પ્રસ્તાવ સરકારને મોકલશે. સ્પેસ સ્ટેશનના ખર્ચ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હજુ તેનો અંદાજ કાઢ્યો નથી. પરંતુ ખાસ વાત એ છે કે સ્પેસ સ્ટેશન સ્થાપવામાં ભારત કોઇ પણ દેશની મદદ લેશે નહીં. કારણ કે ગગનયાન દ્વારા ભારત વિજ્ઞાનીઓને એક સપ્તાહ સુધી અંતરિક્ષમાં રાખશે. એટલે કે અંતરિક્ષમાં વિજ્ઞાનીને મોકલની ટેક્નિક ભારત હાંસલ કરી ચૂક્યું હશે. આગામી બે વર્ષમાં બે મોટાં મિશન, જે અંતરિક્ષમાં આપણી તાકાત વધારશે.
 
ડૉ. સિવને કહ્યું કે ભારત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો હિસ્સો બનશે નહીં. અત્યારે માત્ર બે સ્પેસ સ્ટેશન છે, એક યુરોપિયન દેશો અમેરિકા, રશિયા, જાપાન અને કેનેડાએ સંયુક્ત રીતે બનાવ્યું છે. બીજું ચીનનું છે. ત્રીજું આપણું હશે.
 
ઇસરોનું સૌર મિશન 2020ના પ્રથમ છ મહિનામાં જશે. તે સૂર્યના કોરોનામાં થતાં પરિવર્તનનો અભ્યાસ કરશે. આ સૌર મિશન પૃથ્વી અને સૂર્ય વચ્ચેના પ્રથમ લગ્રાંજિયન બિન્દુ (એલ1) સુધી જશે. તે 15 લાખ કિમી અંતરે છે. ત્યાં પહોંચવામાં 109 દિવસ લાગશે.
 
ડૉ. સિવને જણાવ્યું કે ઇસરો 2-3 વર્ષમાં શુક્ર પર પણ મિશન મોકલશે. અંતરિક્ષ કાર્યક્રમનો પ્રથમ ઉદ્દેશ વંચિતોને સુવિધા પહોંચાડવાનો છે. બીજો ઉદ્દેશ સૌર મંડળનાં રહસ્યોને ઉજાગર કરવાનો છે. ચંદ્રયાન, ગગનયાન, મંગળયાન અને અંતરિક્ષ કેન્દ્ર તેના જ ભાગ છે.
 
75મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઇસરો પોતાનું પ્રથમ માનવ મિશન અંતરિક્ષમાં મોકલશે. અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી ડૉ. રાજેન્દ્ર સિંહે કહ્યું કે તે 2022 પહેલાં પણ હોઇ શકે છે. તેની નિગરાની માટે ખાસ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ બનાવાઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.