અંબાજીમાં આ વર્ષે મોહનથાળના 32 લાખ પેકેટ બનાવાશે : પ્રસાદ માટે 90 હજાર કિલો ઘી વપરાશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. 
ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવનાર છે. જેમાં પ્રસાદના નાના પેકેટ 30 લાખ તથા મિડીયમ અને મોટા પેકેટ 2 લાખ બનાવાશે. મોહનથાળનો પ્રસાદ બનાવવા 6 હજાર ડબ્બા ઘી (90 હજારકિ.લો.)નો ઉપયોગ કરાશે. ઉપરાંત 1.20 લાખ કિ.લો. બેસન, 1.80 લાખ કિ.લો. ખાંડ, દૂધ 21 હજાર લીટર અને ઇલાયચી 240 કિ.લો.નો ઉપયોગ કરાશે.આ અંગેની વિગતો આપતા પ્રસાદ ઘરના કર્મચારી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મા અંબાના ધામ અંબાજીમાં ભક્તો માટે તૈયાર થતા પ્રસાદમાં ક્યારે પણ કીડી-મકોડા લાગતા નથી મોટાભાગે જ્યાં મીઠી વસ્તુ હોય છે ત્યાં કીડી-મકોડા આવી જતા હોય છે પરંતુ માતાજીને ચઢતાં થાળમાં ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી.’
 
માતાજીને સવારે બાલભોગ, બપોરે રાજભોગ અને સાંજે શયનભોગ ધરાવવામાં આવે છે.અંબાજી મંદિરમાં માતાજીને સવારે બાલભોગમાં સોજીનો શીરો ધરાવાય છે. બપોરે રાજભોગમાં જમવાનો થાળ ધરાવાય છે. જેમાં મીઠાઇ, પુરી, બે શાક, કઠોળ, ફરસાણ, દાળ ભાત અને રાયતુ ધરાવાય છે. સાંજે શયનભોગમાં ફ્રુટ, દૂધ અને મગજ મીઠાઇ ધરાવાય છે. માતાજીને ધરાવવાના ભોગની બધી જ વસ્તુઓ લાકડા ઉપર અને ઘી માં જ બનાવાય છે. કયાંય તેલનો ઉપયોગ થતો નથી. માતાજીનો પ્રસાદ માઇભક્તોમાં વિશેષ મહિમા અને મહત્વ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.