આતંકવાદ સામેના ગુજકોકને આખરે રાષ્ટ્રપતિની મંજુરી

રાષ્ટ્રપતિએ ગુજરાતના ગુજકોક બિલ (Gujarat Control of Organised Crime Act) ને મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ (GUJCTOC) ને અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા નામંજૂર કરાયું હતું. જેના બાદ આજે તેની મંજૂરી મળી છે. આ કાયદાના મદદથી ગુજરાતમાં આતંકવાદને નિયંત્રિત કરી શકાશે.
 
આ કાયદાને કારણે આતંકવાદી પ્રવૃત્તિ અંકુશમાં લાવી શકાશે. તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થશે. આ કાયદાના મદદથી કોન્ટ્રાક્ટ કિલીંગ, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવાવ જેવા ગુનાઓ નિયંત્રિત થશે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંદર્ભે વધુપુરાવાઓ એકત્રિત કરવામાં કાયદાકીય પીઠબળ મળશે.
 
ગુજકોકના માધ્યમથી જે આરોપીઓ પકડાય તેઓને સજા સુધી પહોંચાડવા સરકારી વકીલ આ અંગેના કેસ લડશે તેવી વ્યવસ્થા કરાશે. ગુનેગારો માટે વિશેષ કોર્ટની પણ રચના કરવામાં આવશે. આ કાયદામાં સંદેશાવ્યવહારને આંતરીને એકઠા કરાયેલા પુરાવા ગ્રાહ્ય રહેશે. તેમજ સાક્ષીઓને પણ પૂરતુ રક્ષણ આપવામાં આવશે.
 
વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક કરાશે, જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.
 
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.
 
આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.