ઊંઝા માર્કેટયાર્ડમાં વિશ્વાસ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર

ઊંઝા : વેપાર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તા.૯ મી જુનના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીઓ ઉમેદવારી પત્રકોની કાસણી થયા બાદ ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે કુલ ૧ર સદસ્યોની ચૂંટણી માટે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ મળી કુલ રર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયેલ છે. ખેડૂત મત વિભાગના આઠ સદસ્યોની ચૂંટણી માટે ૧૬ ઉમેદવારો અને વેપારી મત વિભાગના ચાર પ્રતિનિધિઓની ચૂંટણી માટે ૬ ઉમેદવારો ઉભા રહ્યા છે. જેમાં ખેડૂત મત વિભાગમાં બજાર સમિતિના પૂર્વ ચેરમેન ગૌરાંગ નારાયણભાઈ પટેલની વિશ્વાસ પેનલમાં આઠ ઉમેદવારો અને ભાજપના ધારાસભ્ય ડા. આશા પટેલ અને તેમનાં સમર્થક દિનેશ પટેલ જુથની વિકાસ પેનલના આઠ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. વેપારી મત વિભાગમાં વિકાસ પેનલમાં ચાર ઉમેદવારો છે. તો અન્ય બે ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આમ સત્તાધારી વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી ટક્કર જામતાં આ ચૂંટણી ભારે રસાકસી ભરી અને પ્રતિષ્ઠાના જંગ વાળી બની છે.
ઊંઝા બજાર સમિતિની ચૂંટણીમાં સ્થાનિક ભાજપના બે ગૃપો સામસામે ટકરાયા છે અને બજાર સમિતિનો વહીવટ કબજે કરવા માટે મરણીયા પ્રયાસો શરૂ થયા છે. બજાર સમિતિનું સિંહાસન હસ્તગત કરવા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ ધમધમાટ વચ્ચે ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એકબીજાને પછાડવા વ્યુહરચનાઓ ગોઠવીને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. આ ચૂંટણીમાં લાખો રૂપિયા ખર્ચાશે તેવી ચર્ચાએ જાર પકડયું છે.
ખેડૂત મત વિભાગમાં મંડળીઓના કુલ ૩૧૩ મતદારો છે. જયારે વેપારી મત વિભાગના ૧૬૩૧ મતદારો છે. આમ કુલ ૧૯૪૪ મતદારોના મતો નિર્ણાયક સાબિત થશે તેમ જણાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.