અલ્પેશના રાજીનામા પાછળનું સત્ય શું ? : કૉંગ્રેસથી કે પછી હાર્દિકના વધતાં રાજકીય કદથી હતી નારાજગી

ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા એકવાર પુનઃ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પણ સાથે સાથે મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી શા માટે રાજીનામુ આપવું પડ્યું ? જોકે અલ્પેશ એવું કારણ આગળ ધરી રહ્યા છે કે અમારી ઠાકોરસેનાને અન્યાય થતો હતો પરંતુ ચર્ચાતી વિગતો એવી પણ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થવાથી અલ્પેશ ઠાકોરનું કદ ઘટી ગયું હતું જેને લઇ અલ્પેશ નારાજ હતા. 
 
લોકસભાની ટિકિટ ફાળવવા મુદ્દે અલ્પેશ ઠાકોરે પણ પોતાના ઠાકોર સેનાના ઉમેદવારોને ટિકિટ આપવા માગણી કરી હતી. પરંતુ અલ્પેશની આ માગણી સ્વીકારી ન હતી જ્યારે હાર્દિક ના ઈશારે તેના કેટલાક ઉમેદવારોને ટિકિટો અપાઇ હતી જેને લઇ અલ્પેશને ભારે લાગી આવ્યું હતું અને કોંગ્રેસમાં અલ્પેશની ખાસ નોંધ ન લેવાતી હોવાનો તેને ખુદને અહેસાસ થઇ ગયો હતો. કદાચ અલ્પેશ પણ એ ગુજરાતી કહેવત સારી રીતે જાણતો હશે કે 'એક મ્યાન માં બે તલવાર ન રહી શકે ' તેથી હાર્દિકના કોંગ્રેસમાં આગમનથી જ અલ્પેશ પોતાની જાતને અવગણનાનું કારણ હાથ ધરી ખસી ગયો હોવાનું મનાય છે.
 
જોકે અલ્પેશ ઠાકોરે માત્રને માત્ર કોંગ્રેસના તમામ હોદ્દાઓ માંથી રાજીનામું આપ્યું છે. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયાને એવું પણ જણાવ્યું છે કે અપક્ષ તરીકે તેઓ સરકારની સામે પોતાની વાત મુકતા રહેશે. તો બીજી બાજુ હાર્દિક પટેલ હજુ પણ એવું રટણ કરી રહ્યા છે કે અલ્પેશને મનાવવાના પ્રયત્નો ચાલુ છે, પણ વાસ્તવિકતા કંઇક જુદી જ હોવાનું અનુમાન છે. એક સમયે રાહુલ ગાંધી ની બાજુમાં બેસનાર અલ્પેશ ઠાકોરનું હાર્દિક પટેલના કોંગ્રેસમાં આગમનથી કદ ઘટી ગયું હોવાનો અહેસાસ અલ્પેશ ઠાકોર ને થઈ ગયો હશે. પરંતુ અલ્પેશ સીધો હાર્દિક પર પ્રહાર કરી શકે એમ ન હોઇ તેણે કોંગ્રેસ પર પોતાની અવગણના થતી હોવાના પ્રહારો કર્યા હતા.
 
જો કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ બંને સમાજના નામે રાજનીતિ કરીને રાજકારણમાં આવેલા યુવાનો છે. બંને નેતા જ્યારે આંદોલન કરતા હતા ત્યારે જાહેરમાં પોતાના સમાજના લોકોને એવું કહેતા હતા કે અમે ક્યારેય રાજનીતિમાં જોડાઇશું નહીં. હાર્દિક અને અલ્પેશ બંને મહત્વકાંક્ષી છે અને તેઓ માત્ર અને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે જ સરકાર સામે બાયો ચડાવી રહ્યા હતા એ વાત તેમણે રાજકીય પક્ષ સાથે જોડાઈને સાબિત કરી દીધી છે. છતાં પણ આ બન્ને યુવા નેતાઓ આ વાતને સહજ રીતે સ્વીકારી શકે તેમ નથી.
 
હજુ પણ કદાચ જો પૂછવામાં આવે તો માત્રને માત્ર તેમનો એક જ જવાબ હશે કે અમારી લડાઈ અમારા સમાજ માટે છે. પણ ખરેખર હવે રાજકીય પક્ષનો ખેસ ધારણ કર્યા બાદ આ બંને યુવા નેતાઓને લડાઈ માત્ર ને માત્ર તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ની જ હોઈ શકે છે !!!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.