રાધનપુરમાં કોર્પોરેટર-ગૌસેવક ઉપર હુમલો થતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું

  રાધનપુરમાં કોર્પોરેટર-ગૌસેવક ઉપર હુમલો થતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું
 
 
રાધનપુર
રાધનપુરમાં જન્માષ્ટમીની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના કોર્પોરેટર અને ગૌસેવક એવા કુલદીપસિંહ ઉપર છરી વડે હિચકારો હુમલો કરતા મંગળવારે તેના ઘેર પ્રત્યાઘાતો પડ્‌યા હતા, અને સવારથી જ શહેરના વેપારીઓએ બજારો જડબેસલાક બંધ રાખ્યા હતા, અને વાતા વરણમાં તંગદિલી ફેલાયેલી જોતા પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ પોઈન્ટો ઉપર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.જો કે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ગૌસેવકો અને વેપારીઓ દ્વારા આ હિચકારા હુમલાના વિરોધમાં ગાંધીચોક ખાતે એક બેઠક યોજ્યા બાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઈને પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાને આસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાધનપુર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય અને સુરભી ગૌશાળામાં ગૌસેવક તરીકે સેવા આપતા તેમજ વિવિધ સામાજિક-ધાર્મિક કાર્યક્રમો માં સહભાગી બનતા અગ્રણી યુવા કાર્યકર કુલદીપસિંહ રાઠોડ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગૌસેવાના કામ બાબતે બોલાચાલી બાદ સાતેક જેટલા અસામાજિક ગુંડાતત્વો દ્વારા કુલદિપસિંહને ઘેરી લઈને ઘાતકી હથિયારો વડે હુમલો કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સદ્‌નસીબે તેઓ બચી ગયેલા, અને હાલમાં ગંભીર ઇજાઓને લઈને સારવાર હેઠળ છે. આ પ્રકારનું જધન્ય કૃત્ય કરનારા આ અસામાજિક નરાધમ ઈસમો ગૌસેવાના કામમાં અને વિવિધ સામાજિક ધાર્મિક કામ કરતા લોકોને યેનકેન પ્રકારે નિશાન બનાવીને શહેરનું વાતાવરણ ડહોળવાનું કામ કરી રહ્યા છે. જેની સામે રાધનપુરની તમામ સ્વૈચ્છીક સેવાકીય સંસ્થાઓ/સંગઠનો એકસૂરે તેનો વિરોધ કરે છે. અને આ પ્રકારે જો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને આવા ગુંડા તત્વો સામાજિક પ્રવૃત્તિ કરતા સજ્જન ઈસમોને હેરાન-પરેશાન કરશે તો અમો સંગઠનો ચૂપ નહિ બેસી રહીયે. તાત્કાલિક આ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોને ગુન્હા સંદર્ભે પકડી લેવા જેથી કાયદાનું શાશન છે,એવો દાખલો બેસે.જો આ અંગે ત્વરિત પગલાં નહિ ભરવામાં આવે તો તેના લીધે વિકટ પરિસ્થિતિ ઉભી થશે, એ અંગે આપને વાકેફ કરીએ છીએ. આ પ્રસંગે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, તાલુકા ખરીદ-વેચાણ સંઘના પૂર્વ ચેરમેન કેશુભા પરમાર, મોટીપીંપળીના વેલુભા પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ, સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજા, લાલાભાઇ ઠક્કર સહીત અગ્રણી અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.