અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો આખરે ભાજપમાં પ્રવેશ, વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવ્યો

છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ'માં ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે.
 
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું કે,સમગ્ર દેશના લોકો જેના નેતૃત્વ પર ભરોસો કરે છે તે નરેન્દ્ર મોદી અને અમિતભાઈથી તમે વાકેફ છો. કયા કારણસર આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેના અનેક સવાલો છે. આ પરિસ્થિતિ અંગે મારે વધારે કંઈ કહેવુ નથી. કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ થતી નથી. ભાજપમાં સામાન્ય લોકોનું પણ સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈથી બધા વાકેફ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે.
 
જો કે કોંગ્રેસમાં કદાવર નેતા બનેલા અલ્પેશ ઠાકોર ભાજપમાં વેતરાયા છે. ઓક્ટોબર 2017માં જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેને કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. જ્યારે ભાજપમાં તેને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો છે. આ સમયે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો દૂરની વાત છે રૂપાણી સરકારના એકેય મંત્રી પણ હાજર રહ્યા નથી. 
 
જો કે ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. જ્યારે કોંગ્રેસમાં તેમને બિહારના સહ પ્રભારીની જવાબદારી આપીને ઓબીસી નેતા તરીકે કદ વધારવામાં આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.