ચોકીદાર હટે અને ચોરોનું રાજ આવે તે માટે મહાગઠબંધન રચાયુ : વિજય રૂપાણી

હિંમતનગરમાં યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસ પર મુખ્યમંત્રીના ચાબખા
 હિંમતનગર
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મંગળવારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યુ હતું કે, ચોકીદાર હટે અને ચોરોનું રાજ આવે તે માટે દેશના અન્ય પક્ષો દ્વારા મહાગઠબંધન રચાયુ છે. પરંતુ આ મહાગઠબંધન નહિ પણ મોદી હટાવો ઝૂંબેશ સ્વરૂપે મહાઠગબંધન રચાયુ છે, નહેરૂ પરિવારને ગાંધી પરિવાર સિવાય અન્ય કોઇ સામાન્ય વ્યકિત વડાપ્રધાન બની રાજ કરે તે પચતુ નથી અને ચાવાળો વડાપ્રધાન બને તે સહેવાતુ નથી. જયારે દેશના-ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસના ૫૫ વર્ષના શાસન સામે ૫ વર્ષના શાસનમાં દેશને ગૌરવ અપાવ્યુ છે, સાથે સાથે સલામતી બક્ષી છે. જેથી દેશનું શાસન સલામત હાથમાં છે તેમ જણાવ્યુ હતું.
 
 સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિપ પ્રાગટ્યથી શુભારંભ કર્યો હતો. જે પ્રસંગે સંમેલનને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, કોંગ્રેસ પરિવારવાદમાં જકડાયેલી પાર્ટી છે, કોંગ્રેસે દેશને લૂંટ્યો અને ૨૦૧૪ પહેલાના ૧૦ વર્ષના શાસનમાં કોંગ્રેસની સરકારમાં લાખ્ખો કરોડોના આકાશ, જમીન, પાતાળ, સ્પોર્ટસ સહિતના અનેક ક્ષેત્રોમાં મહાકૌભાંડો આચર્યા હતા, જે લોકોની જાણમાં છે. અગાઉની મનમોહનસિંહની સરકાર પેરાલીસીસ સરકારની જેમ દેશ ચલાવતી હોય તેવો અનુભવ દેશની પ્રજાએ કર્યો છે, તેની સામે વિકલ્પ રૂપ દેશની સવાસો કરોડની પ્રજાએ દેશના સપૂત નરેન્દ્રભાઇને સ્પષ્ટ બહુમતિ આપી વડાપ્રધાન પદે સુકાન સોપ્યુ છે. તેમણે ૫ વર્ષમાં અનેક યોજનાઓ દ્વારા વિકાસ પરિવર્તન સાથે અનેક દેશોનો પ્રવાસ ખેડી રાષ્ટ્ર પ્રથમ તેને ધ્યાનમાં રાખી રાષ્ટ્રની સલામતી અને દેશને ગૌરવ અપાવ્યુ છે. આ વખતની ચૂંટણી દેશનું ભવિષ્ય કોના હાથમાં આપવું તે નિર્ધારીત કરનારી થશે તેમ જણાવી વિજય રૂપાણીએ આતંકવાદ મુદે્ કોંગ્રેસ પર ચાબખા મારી અટલજીની સરકારમાં આતંકવાદીઓને કંદહારમાં મુકત કરાયાના ભાજપ પર મુકાયેલા આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસી નેતાઓના પરિવારજનોના આતંકવાદીઓ દ્વારા થયેલા અપહરણોની ઘટનામાં કેટલા આતંકવાદીઓને મુકત કરાયા તેનો જવાબ કોંગ્રેસ પાસે માગ્યો હતો.
 
 રામ મંદિરના મુદે્ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ગમે તેવા રોડા નાખે તોય અયોધ્યામાં તો રામ મંદિર ભાજપ જ બનાવવાનું છે તેમ કહી મુંબઇની તાજ હોટલમાં અનેક લોકો મર્યા હતા, છતાં પણ મનમોહનસિંહ સરકારે ખુમારી બતાવવાને બદલે અને કાર્યવાહી કરવાને બદલે દેખતે હૈ, સોચ તે હૈ જેવા નિવેદનો કર્યા હતા. પરંતુ છપ્પનની છાતીવાળા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પુલવામામાંના હુમલાનો જવાબ સેનાને છુટો દોર આપી અને એર સ્ટ્રાઇક સર્જી આપતા પાકિસ્તાન ઘૂંટણીએ પડયુ હતું ત્યારે એર સ્ટ્રાઇક બાદ કોંગ્રેસના નેતાઓ તેના પુરાવા માગીને સેનાનું મોરલ તોડી રહ્યા છે. આ ચૂંટણીમાં ૨૩ મેના રોજ ચૂંટણી જંગ જીતી પુન: વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ શપથ લેશે ત્યારે પાકિસ્તાનમાં માતમનો માહોલ છવાઇ જશે તેમ તેમણે કહ્યુ હતું. કોંગ્રેસે ૫૫ વર્ષના શાસનમાં ગરીબી હટાવોનું સુત્ર આપ્યુ પરંતુ ગરીબો વધ્યા, ૨૦૦૯માં ખેડૂતો માટે દેવા નાબૂદી યોજના જાહેર કરી, ૫૨ હજાર કરોડ યોજનામાં જાહેર કર્યા પણ તેનો લાભ ખેડૂતોને મળ્યો નહી, ખેડૂતોએ આંદોલન કર્યા તો ગોળીએ દેવાયા, જે ખેડૂતોની ખાંભીઓ આજે પણ સાબરકાંઠા અને રાજકોટમાં મોજુદ છે, જયારે ભાજપની સરકારે ટેકાના ભાવ વધાર્યા અને ભાવ વધારાની જાહેરાત કર્યા બાદ ૭ હજાર કરોડના ટેકાના ભાવે ખેડૂતોના માલની ખરીદી કરી હતી. કેન્દ્રમાં મોદી સરકારે ૫ વર્ષ દરમિયાન કરેલા મહત્વના પ્રોજેકટો અને લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કરી વિજય રૂપાણીએ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને આ ચૂંટણીમાં ઇતિહાસ બનાવવાનો સમય આવી ગયો હોવાનું જણાવી લોકસભાના ઉમેદવારને વિજયી બનાવવા અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે બેસાડવાનો સંકલ્પ કરવા આહવાન કર્યુ હતું.
 
 વિજય સંકલ્પ સંમેલન પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલે કર્યુ હતું. સંમેલનમાં કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઇ ચૌધરી, સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ પરમાર, હિતુ કનોડીયા, અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, હિંમતનગર પાલિકા પ્રમુખ અનિરૂધ્ધભાઇ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન અને સાબરડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ પૃથ્વીરાજ પટેલ, જિલ્લા મહામંત્રી અશોક જોષી, તખતસિંહ હડિયોલ, હિતેષ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.