ડીસા હાઈવે ઉપરનો સર્વિસ રોડ ધોવાયો

ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાના હાઈવે ઉપર ચાલતા ઓવરબ્રિજના કામ દરમિયાન પ્રારંભે  જ વાહન ચાલકો માટે પેવર બનાવાયેલ સર્વિસ રોડ ધોવાઈ જતા ઠેરઠેર ખાડા પડી ગયા છે તેથી કામમા આચરાયેલ ગેરરીતીઓ ખુલ્લી પડવા સાથે વાહન ચાલકોની હાડમારીઓ વધી પડી છે. 
ડીસાવાસીઓની વર્ષોની માંગ મુજબ હાઈવે ઉપર ઓવરબ્રિજનું કામ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ચાલી રહ્યું છે જેમાં પ્રારંભે કંપનીએ સર્વિસ રોડ પેવર બનાવી વાહનોને ડાયવર્જન આપ્યું છે. જેથી સર્વિસ રોડ ઉપર વાહનો દોડી રહ્યાં છે પરંતુ ચોમાસાના વરસાદમાં આ રોડ ધોવાઈ જતા ઠેરઠેર ખાડા અને ખાબોચિયા પડી ગયા છે તેથી પેવર કામમાં આચરાયેલ ગેરરીતીઓ પણ ખુલ્લી પડી ગઈ છે. જેના કારણે હાઈવે ઉપર ટાફે શો રૂમથી માંડી રીલાયન્સ પંપ સુધીનો રોડ વાહન ચાલકો માટે આફત રૂપ બની ગયો છે. વળી, ક્યાંય ડાયવર્જનના બોર્ડ પણ મુકાયા નથી. તેથી આ રોડ ઉપર ગમખ્વાર માર્ગ અકસ્માતનો ખતરો મંડારાતા વાહન ચાલકો માટે બે વર્ષ કાઢવા મુશ્કેલ બની ગયા છે. કારણ ઓવરબ્રિજનું કામ બે વર્ષ ચાલનાર છે  પરંતુ પ્રારંભે જ પેવર કામમાં ગેરરીતીઓ આચરનાર કંપની ઓવરબ્રિજ કેવો બનાવશે ? તેવો બળાપો ઠાલવી વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટ કંપની સામે રોષ ઠાલવી આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસાની મધ્યમાંથી નેશનલ હાઇવે પસાર થાય છે બીજી  બાજુ શહેરની ચોમેરથી ક્ષિતિજો વિસ્તરતી જાય છે તેમાં પણ હાઇવે ઉપર વાહનોની રોજીંદી વધુ આવનજાવનના કારણે ટ્રાફિક ચક્કાજામ થાય છે તેથી માર્ગ અકસ્માતના બનાવો બનવા લાગતાં સર્કલો ગોઝારા પુરવાર થયા છે જેના કારણે ડિસાવાસીઓ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવાની વર્ષોથી માંગ કરી જન આંદોલન પણ છેડયું હતું. જેથી કરોડોના ખર્ચે ઓવરબ્રિજ મંજુર થતા માર્ગ અકસ્માત ઘટવા સાથે ટ્રાફિકની કાયમી બની ગયેલી સમસ્યા દૂર થવાની શહેરીજનોને આશા બંધાઈ છે પરંતુ કન્સ્ટ્રકશન કંપની ઓવરબ્રિજના કામમાં પ્રારંભથી વેઠ વાળવા લાગી છે જેને લઈ અવનવા સવાલો ઉઠવા પામ્યા છે. ખાસ કરીને અન્ય વિકાસ કામોની જેમ તેના બાંધકામમાં પણ ગેરરીતિઓ આચરાવાની શહેરીજનોમાં આશંકા જન્મી છે. જેને લઈ ખુદ ભાજપ સરકાર બદનામ થાય છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે સત્વરે ઘટતાં પગલાં ભરે તેવો  જનમત પ્રવર્તે છે ખાસ કરીને વરસાદમાં ધોવાઈ ગયેલ સર્વિસ રોડનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તેવી વાહન ચાલકોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે ત્યારે ખખડધજ બનેલ સર્વિસ રોડ કોઈનો ભોગ લે તે પૂર્વે તંત્ર સજાગતા દાખવે તે સમયનો તકાજો છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.