‘નવસર્જન' ઝંખતો રાધનપુર વિસ્તાર હવે નહિ જ છેતરાય : રઘુભાઈ દેસાઈ

 ડીસા : બનાસકાંઠાની થરાદ બેઠક ઉપરાંત પાટણ જિલ્લાની રાધનપુર બેઠકની પેટાચૂંટણી પણ પ્રતિષ્ઠાના જંગ જેવી બની ગઈ છે ત્યારે આ વખતે રાધનપુર બેઠક પર અપસેટ સર્જવાના નિર્ધાર સાથે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરી મેદાનમાં ઉતરેલા રઘુભાઈ દેસાઈની પસંદગીએ હરીફ છાવણીની ચિંતા વધારી દીધી છે. આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર ઝુંબેશમાં ભૂતકાળમાં ભાજપ માટે કારગત નિવડેલા હથિયારો વાપરી હરીફોની ઊંઘ હરામ કરી રહી છે.
રાધનપુર બેઠક લાંબા સમય સુધી ભાજપ પાસે રહ્યા બાદ ગત વિધાનસભા ચૂંટણી વખતે વિકાસથી વંચિત રાધનપુર વિસ્તારના મતદારોએ મજબૂત ઈરાદા સાથે ભાજપને જાકારો આપી કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને વિજયમાળા પહેરાવી હતી.જોકે અલ્પેશ ઠાકોરે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ મતદારોના વિશ્વાસ સાથે દ્રોહ કરી ભાજપનો પાલવ પકડી લઈ રાધનપુર મત વિસ્તાર પર પેટાચૂંટણી ઠોકી દીધી છે. આટલું ઓછું હોય તેમ આ વખતેભાજપ પણ અલ્પેશ ઠાકોર જેવા આયાતી ઉમેદવારને આગળ કરી પ્રજા પાસે સહકાર માંગી રહ્યો હોઈ ભાજપના અન્ય સ્થાનિક દાવેદારો તેમજ અગ્રણીઓમાં રીતસર કચવાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસે આ બેઠક પર કોઈ નવા અખતરાનું જોખમ લેવાના બદલે જુના જોગી રઘુભાઈ દેસાઈને ફરી મેદાનમાં ઉતારવાનો શાણપણભર્યો નિર્ણય લઈ રાજકીય પરિપક્વતા પણ બતાવી છે. 
રાધનપુર મત વિસ્તાર શરૂઆતથી જ રાજકીય ઉપેક્ષાનો શિકાર બનતો આવ્યો છે. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો સરકારમાં પ્રભુત્વ હોવા છતાં પ્રજાની વિકાસ ભૂખ સંતોષી શક્યા નથી ત્યારે હવે આ વિસ્તાર સમર્પિત લોકસેવક ઝંખી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ફરી રઘુભાઈ દેસાઈની કરેલી પસંદગીને વ્યાપક આવકાર સાથે મજબૂત સમર્થન મળી રહ્યું હોઈ હરીફ છાવણીની છીંતા વધતી જાય છે. દર વખતે નર્મદાના પાણીના નામે લોકોને ભોળવી મત લઈ જતા ભાજપના નેતાઓએ આ વખતે પાછોતરા વરસાદથી ખેતરોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી કે વગર વાંકે નુકશાનીના ખાડામાં ઉતરેલા ખેડૂતો માટે સંવેદના પણ દાખવી નથી જેથી આ નેતાઓની રાજકીય લાલસાને પારખી ગયેલા ખેડૂતો શાસક પક્ષના નેતાઓથી દૂર ભાગી રહ્યા છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર ગામડે ગામડે ઉમળકાભર્યો આવકાર મેળવી રહ્યા છે.
હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી રહેલા રઘુભાઈ દેસાઈએ રાધનપુર બેઠક પર પરાજય બાદ પણ આ વિસ્તાર છોડ્‌યો નથી. સતત જીવંત લોક સંપર્ક જાળવી રહેલા રઘુભાઈ દેસાઈ માટે આ વખતે તેમનો લોકસંપર્ક જ મજબૂત હથિયાર સાબિત થઈ રહ્યો છે. 
ફરી રાધનપુર બેઠક માટે પસંદગી પામેલા રઘુભાઈ દેસાઈએ ઠાઠમાઠ સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા જ રઘુભાઈ દેસાઈના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે રાધનપુર આવ્યા હતા.જે સાબિત કરે છે કે રાધનપુર બેઠક પર પરિણામનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ ખૂબ ગંભીર છે.વળી ગત ૨૧ મી સપ્ટેમ્બરથી મત વિસ્તારનો સઘન લોકસંપર્ક કરી રહેલા રઘુભાઈ દેસાઈએ રાધનપુર તાલુકાના મોટા ભાગના ગામોમાં ઘરેઘરે ફરી વળી દરેક ગામડે કોંગ્રેસનો નવસર્જનનો નારો ગજવી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપરાંત પ્રદેશ નેતાઓએ પણ રાધનપુર મત વિસ્તારમાં ધામા નાંખી કોંગ્રેસનો જનાધાર વધારવા પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે જે કારગત નિવડવાનો પણ ઉજળો આશાવાદ સર્જાયો છે.
‘રખેવાળ' સાથેની વાતચીતમાં રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પછાતપણાનું કલંક વેઠતા રાધનપુર વિસ્તારને હવે ભ્રામક નહિ પણ ઠોસ વિકાસ, સમાજની સુખાકારી, શ્રેષ્ઠ માળખાકીય સવલતો, જાહેર પરિવહન વ્યવસ્થા, સારું શિક્ષણ અને વ્યાપક આરોગ્ય સેવાની તાતી જરૂર છે ત્યારે આ ખુટતી કડીઓ જોડી સાચા વિકાસની પ્રતીતિ કરાવવા મતદારો કોંગ્રેસ તરફ આશભરી મીટ માંડી રહ્યા છે ત્યારે આ વખતે આ વિસ્તારમાં નવસર્જનનો નાદ જ કોંગ્રેસને ભવ્ય વિજય અપાવશે એમાં બે મત નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.