ગુજરાતની ૬ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યાં છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું છે. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે. બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી.
 
પેટાચૂંટણીમાં 9.28 લાખ મતદારો ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત 28 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. મતદારોમાં 4.44 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 1171 મતદાન મથકો ઊભાં કરાયાં છે, 8100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયાં છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે. ખેરાલુ બેઠક પર 4 ઉમેદવારો છે. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ફાઇટ છે. થરાદ બેઠક પર 7 ઉમેદવારો જંગમાં છે. જેમાં ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.