લાખણીના કુડાના હત્યા કેસમાં તંત્ર અને અગ્રણીઓની ખાત્રી બાદ પરિવારે લાશો સ્વીકારી

લાખણી તાલુકાના કુડા ગામે થયેલી એક જ પરિવારના ચાર સભ્યોની સામૂહિક હત્યાનું રહસ્ય બીજા દિવસે પણ વણ ઉકલ્યું રહ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા અને અગ્રણીઓ ની સમજાવટ અને ન્યાયની ખાત્રી બાદ પરિવાર બીજા દિવસે સાંજે ૫ વાગ્યા આસપાસ મૃતકોની લાશ સ્વીકારવા તૈયાર થયો હતો. જ્યારે તંત્રએ હત્યાનો ભેદ ઉકેલવા માટે સીટની રચના કરી તપાસ હાથ ધરી હતી.
 
પ્રાપ્ત માહીતી મુજબ મૂળ લાખણીના કેશરસિંહ ગોળીયા ગામના કરસનજી સોનાજી પટેલનો પરિવાર કુડા ગામે રહેતો હતો. જે પરિવાર ગુરૂવારની રાત્રીના સમયે પોતાના ઘરે ભરનિદ્રામાં સૂતો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે પરિવારના ચાર સભ્યોના ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જ્યારે ઘરના મોભી કરશનભાઇ પટેલ ઝેરી દવાના નશામાં આંગણામાં તરફડીયા મારતા હતા. જેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાબતે કરશનજીના સાળા તેજાભાઇ ચમનાજી પટેલે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે હત્યારો ન ઝડપાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. જે ઘટનાને પગલે લાખણી બજારના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા હતા. જ્યારે ઘટનાના બીજા દિવસે પણ ચાર ચાર હત્યાનું રહસ્ય અકબંધ રહેતાં હજારોની સંખ્યામાં લોકો લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે પોતાના ધરણાં ચાલુ રાખ્યા હતા. જેથી ઘટનાની ગંભીરતા સમજી લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં સાંજના સમયે સાંસદ પરબતભાઇ પટેલ તેમજ અન્ય અગ્રણીયો તથા જિલ્લા પોલીસવડાએ પરિવારને ન્યાયીક તપાસની ખાત્રી આપતાં પરિવાર લાશો સ્વીકારવા તૈયાર થયો હતો અને સિધ્ધપુર ખાતે અંતિમવિધિ કરવાનું જણાવ્યું હતુ. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
 
કુડાના એક જ પરિવારના ચાર સભ્યોના ચકચારી હત્યા કેસમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી લાશો નહીં સ્વીકારવામાં આવે તેવી જીદ સાથે ધરણા ઉપર બેઠેલા હજારો લોકોની મુલાકાતે બનાસકાંઠા સાંસદ પરબત પટેલ આવી પહોંચ્યા હતા. તેમજ તેઓએ આ ઘટનાની ગંભીરતા બાબતે ગૃહમંત્રી, મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું અને આ ઘટનાનો આરોપી ગમે તેવો ચમરબંધી હશે તો પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે તેઓને ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું તેમજ મોતનો મલાજો જળવાય તે રીતે સમાજને આગળનો નિર્ણય કરવા જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.