પત્ની અને ત્રણ પુત્રીની હત્યા કરીને લાશ ફ્રીઝ અને કબાટમાં દીધી છુપાવી

અલાહાબાદ: ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં સામાન્ય ઝઘડો પરિવારના પાંચ લોકોના મોતનું કારણ બની ગયો હતો. ઝઘડા બાદ રોષે ભરાયેલા શખસે પહેલાં તેની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ ત્રણ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ જઘન્ય હત્યાકાંડ બાદ આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

અલાહાબાદના ઘૂમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા પીપલ ગામમાં મનોજ કુશવાહા ઉર્ફે ભુલ્લુ (ઉ. વર્ષ 35) તેના પરિવાર માટે યમદૂત સાબિત થયો હતો. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે મનોજે તેની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશ ફ્રીઝમાં છુપાવી દીધી હતી, જ્યારે ત્રણ માસૂમ પુત્રીની હત્યા કરીને તેમના મૃતદેહો એક બોક્સ અને કબાટમાં છુપાવી દીધા હતા.

આ હત્યાકાંડ બાદ મનોજે ફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવી દીધું હતું. મનોજના ઘરનો દરવાજો સવારથી જ બંધ હોવાથી તેના પાડોશીઓને શંકા ગઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને ઘરનો દરવાજો તોડ્યો હતો અને અંદરનું દ્રશ્ય જોઈને બધા હેબતાઈ ગયા હતા.

મનોજ કુશવાહા તેની પત્ની શ્વેતા અને ત્રણ પુત્રીઓ સાથે પીપલ ગામમાં રહેતો હતો. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આ હત્યાકાંડ પહેલાં મનોજ અને શ્વેતા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ રોષે ભરાયેલા મનોજે પરિવારને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.

મૃતકોમાં મનોજની પત્ની શ્વેતા ઉપરાંત તેની આઠ વર્ષની પુત્રી પ્રીતિ, છ વર્ષની શિવાની અને ત્રણ વર્ષની શ્રેયાનો સમાવેશ થાય છે. શ્વેતાની લાશ પોલીસને ફ્રીઝની અંદરથી મળી આવી હતી, જ્યારે પ્રીતિની લાશ કબાટમાંથી અને શિવાનીની લાશ એક બોક્સમાંથી મળી હતી.

એકમાત્ર શ્રેયાની લાશ જમીન પર પડી હતી. મનોજે આ હત્યાકાંડ બાદ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘરકલેશના કારણે આ ચોંકાવનારી ઘટના બની હોવાનું પોલીસે પણ જણાવ્યું હતું.

પોલીસે ડોગ સ્ક્વોડની ટીમ બોલાવીને તપાસ હાથ ધરી હતી. મનોજ અને શ્વેતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું તેમના પાડોશીઓએ જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.